રાજ્યમાં બીન સચિવાલય કલાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન, પ્રશ્નપત્ર સહેલુ લાગતા પરીક્ષાર્થીઓ ખૂશ
અમદાવાદઃ રાજ્યભરમાં રવિવારે યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. લાખો વિદ્યાર્થીઓએ શહેરોના જુદા જુદા કેન્દ્રો પરથી પરીક્ષા આપી હતી. અગાઉ ત્રણ વખત મુલત્વી રહેલી આ પરીક્ષા આ વખતે પણ મુલત્વી ન રહે એવો પરીક્ષાર્થીઓમાં ડર જોવા મળ્યો હતો.જો કે આ વખતે જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હતી. કોચિંગક્લાસ પર પણ નજર રાખવામાં આવી હતી. બીન સચિવાલયની પરીક્ષામાં પ્રશ્નપત્ર પરીક્ષાર્થીઓને એકદંરે સહેલું લાગ્યુ હતું. પરીક્ષા કેન્દ્ર પર પેપર પૂર્ણ થયા બાદ બહાર આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો. 3901 જગ્યા માટે 4 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
રાજ્યના 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર પરીક્ષાનું અયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન લેવાયેલી પરીક્ષા માટે ઉમેદવારો 8 વાગ્યાથી કેન્દ્રો પર પહોંચવા લાગ્યા હતા. 2018માં જાહેર કરાયેલી આ ભરતી પ્રક્રિયાની પરીક્ષા અગાઉ બે વખત રદ કરાઈ હતી, જ્યારે એકવાર મોકૂફ રખાઈ હતી. રવિવારે યોજાયેલી બીન સચિવાલય પરીક્ષામાં અગાઉના વર્ષોની સરખામણીએ આ વખતનું પેપર પ્રમાણમાં સરળ હતું. આ પેપરમાં બંધારણ ઉપરાંત કોમ્પ્યુટર ઓપરેશન સિસ્ટમને લગતા સવાલો પૂછવામાં આવ્યા હતા. સાથે સાથે ઇતિહાસ અને સામાન્ય જ્ઞાન આધારિત સવાલો પૂછાયા હતા. પ્રશ્નપત્ર સરળ રહેતા મોટાભાગના વિદ્યાર્થીઓ માનવું છે કે મેરીટ પણ ઊંચું જવાની શક્યતા છે. અગાઉ જુદા જુદા વિવાદોને કારણે ત્રણ-ત્રણ વખત નહીં લઈ શકાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આજે શાંતિપૂર્ણ લેવાઈ હતી. પરીક્ષામાં સૌથી વધુ 1.88 લાખ ઉમેદવારો અમદાવાદના હતા. આ વખતે કોઈપણ પ્રકારનો ફિયાસ્કો ન થાય તે માટે પહેલીવાર જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી હતી. જેનાથી પેપરની મુવમેન્ટ પર નજર રાખવામાં આવી હતી. જાહેર પરીક્ષામાં પહેલીવાર તમામ ઉમેદવારોની હાજરી એપ્લિકેશનથી જ પુરાઈ હતી. ઉમેદવારોની વધારે સંખ્યાને કારણે શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો રખાયા હતા. અમદાવાદ બહાર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે શનિવારથી જ એસટી બસની ફાળવણી કરાઈ હતી.