અકસ્માત કર્યો છે, કહીને કાર ઊભી રખાવી વેપારીના 26 લાખની રોકડ સાથેની બેગ આંચકી ગઠિયા રફુચક્કર
અમદાવાદઃ ગઠિયાઓ અવનવી તરકીબો અજમાવીને લૂંટ કરવામાં માહેર હોય છે. અમદાવાદના સીજી રોડ પર કારમાં જઈ રહેલા વેપારીને તમે અકસ્માત કર્યો છે, કહીને કાર ઊભી રખાવી રખાવીને વેપારીને કારમાંથી ઉતારીને બે ગઠિયા વેપારી સાથે રકઝક કરવા લાગ્યા હતા. દરમિયાન વેપારીની નજર ચુકવીને કારની સીટ પર મુકેલી રૂપિયા 26 લાખ ભરેલી બેગ ગઠિયો ઉઠાવી ગયો હતો. વેપારીના કારમાં બેસતા જ ખબર પડી ત્યાંતો ગઠિયા સ્ટુટર અને બાઈક પર રફુચક્કર થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસને મહત્વના કૂટેજ મળ્યા છે. ગઠિયાઓ આંગડિયાની પેઢીથી વેપારીનો પીછો કરી રહ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સીજી રોડ પર તમારી કાર મારા એક્ટિવા સાથે કેમ અથડાવી તેમ કહીને ગઠીયાઓએ કારચાલક વેપારીને કાર ઊભી રાખવાની ફરજ પાડી હતી. દરમિયાન ગઠીયાઓ ગાડીમાં રહેલી 26 લાખથી વધારેની રકમ લઇને ફરાર થઇ ગયા હતા. જ્યારે માથાકુટ પુરી કરીને વેપારી પોતાની કારમાં પરત આવ્યો 26 લાખ રોકડ સાથેની બેગ ગઠિયો ઉઠાવી ગયાની જાણ થઈ હતી.
શહેરના નિકોલમાં રહેતા અને દરિયાપુર હાર્ડવેર ટ્રેડિંગની ઓફીસ ધરાવતા પ્રવીણભાઇ પટેલ આર.કે આંગડીયા પેઢીમાંથી 26.70 લાખ રૂપિયા એક બેગમાં મુકીને ડ્રાઇવર સીટની બાજુમાં મુકીને સ્વસ્તિક ચાર રસ્તા નવરંગપુરા ચાર રસ્તા તરફ જઇ રહ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો. વેપારીએ કારનો પીછો કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગઠિયાઓ વેપારીના હાથ ન લાગતા અંતે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતાં તેમજ દરિયાપુર પાસે કબીર એન્ટરપ્રાઇઝ નામે હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા પ્રવિણ પટેલ નામના વેપારી સીજી રોડ ખાતે આવેલી આર.કે એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી માણસા ખાતેથી આવેલું 32 લાખ 57 હજારનું પેમેન્ટ લેવા નીકળ્યા હતા. અને નવરંગપુરા ખાતે આવેલી મહેન્દ્ર સોમાભાઈ આંગડિયા પેઢી મારફતે 6 લાખ 17 હજાર ચારસો રૂપિયા રોકડા ગાંધીનગર ખાતે રહેતા પોતાના મિત્ર અંકુરને મોકલીને 26 લાખ 70 હજાર જેટલી રકમ બેંગમાં રાખીને સીજી રોડથી નવરંગપુરા તરફ જઈ રહ્યા હતા. તે સમયે હરિઓમ રેસ્ટોરાં પાસે પહોંચતા એક્ટિવા ચાલક દ્વારા તેઓને અટકાવીને તમે મારા એક્ટિવા સાથે ગાડી કેમ અથડાવી તેવું કહીને ઝઘડો કર્યો હતો. અને ઝઘડા દરમિયાન કારમાં મૂકેલી રોકડ રકમની બેગ લઈને ગઠિયા ભાગી ગયા હતા.
નવરંગપુરા પોલીસે આ સમગ્ર મામલે લૂંટનો ગુનો દાખલ કરીને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં શંકાસ્પદ આરોપીઓ જોવા મળ્યા હતા..જેથી કરીને આરોપીઓને પકડવા માટે નવરંગપુરા પોલીસે તપાસ તેજ કરી છે. મહત્વનું છે કે સીસીટીવી ફુટેજમાં દેખાતા આરોપીઓ છારા ગેંગના હોવાની આશંકાના આધારે પોલીસે આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો કામે લગાડે છે.