જમ્મુ-કાશ્મીરઃ 30 વર્ષમાં આતંકવાદી હુમલાઓમાં 5356 સુરક્ષા જવાનો અને 14091 નાગરિકોના મોત થયાં
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું હતું. દરમિયાન જમ્મુ-કાશમીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા એજન્સીઓની અથડામણની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન 30 વર્ષના સમયગાળામાં આતંકવાદી હુમલાઓમાં 5356 સુરક્ષા જવાનો શહીદ થયાં હતા. જ્યારે આતંકવાદી હુમલામાં સ્થાનિક નાગરિકોએ જીવ ગુમાવ્યાં હતા. વર્ષ 1990થી કાશ્મીરમાં આતંકવાદી ઘટનાની શરૂઆત થઈ હતી. બીજી તરફ નક્સલવાદીઓ સામે પણ સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે.
રિપોર્ટ અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2019માં ઘૂસણખોરીના 216 પ્રયાસો થયા હતા જ્યારે વર્ષ 2020માં માત્ર 99 ઘૂસણખોરીના પ્રયાસો થયા હતા. મંત્રાલયનો અંદાજ છે કે વર્ષ 2019માં અંદાજિત 138 વખત ઘૂસણખોરી થઈ હતી જ્યારે વર્ષ 2020માં અંદાજિત 51 વખત ઘૂસણખોરી થઈ હતી. વર્ષ 2020માં આતંકવાદની 244 ઘટનાઓ બની હતી જેમાં 62 સુરક્ષા જવાનો અને 37 નાગરિકો માર્યા ગયા હતા જ્યારે 221 આતંકવાદીઓ સુરક્ષા એજન્સીઓએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં 90 ના દાયકામાં આતંકવાદની શરૂઆત થઈ ત્યારથી, વર્ષ 2020 સુધી 14091 નાગરિકો અને 5356 સુરક્ષા કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આર્મી અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
વર્ષ 2013ની સરખામણીએ વર્ષ 2020માં નક્સલવાદીઓ દ્વારા હિંસામાં 41 ટકા અને તેના કારણે થતા મૃત્યુમાં 54 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. નક્સલવાદી હિંસાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તમામ માઓવાદી હિંસાની 88 % ઘટનાઓ માત્ર 30 શહેરોમાં જ બની છે.
(Photo-File)