ભારતમાં ઉનાળાની કાળઝાળ ગરમીઃ 33 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર
નવી દિલ્હીઃ ભારતમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે દેશના 70 ટકા વિસ્તારમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. દેશની લગભગ 80 ટકા વસતી ગરમીની લપેટમાં આવ્યાં છે. દેશના 33 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર કરી ગયું હતું. આમાંથી સાત શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી વધુ હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, ઝારખંડમાં એપ્રિલના બાકીના દિવસમાં તાપમાનમાં સતત વધારો થશે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. રવિવારે ઘણા વિસ્તારોમાં તાપમાન 47-48 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. જો કે 2 મેથી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.
ઉત્તર પ્રદેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગરમી ચરમસીમાએ પહોંચતી જોવા મળી રહી છે. ઝાંસી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે લખનૌ સહિત સમગ્ર રાજ્યમાં તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. લખનૌ સહિત અન્ય જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ એટલે કે શનિવાર સુધી આકરી ગરમી પડશે. આ દરમિયાન 60ની ઝડપે ગરમ પવનો પણ ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં સૌથી વધુ તાપમાન મધ્ય પ્રદેશના રાજગઢમાં 45.6 ડિગ્રી નોંધાયું હતું. વિશ્વના 14 શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની ઉપર રહ્યો હતો. જેમાંથી 14 શહેરો ભારત અને પાકિસ્તાનના છે. સ્વાઝીલેન્ડના સિટકીમાં વિશ્વમાં સૌથી વધુ દિવસનું તાપમાન 57.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.