અમદાવાદ: અકસ્માતના વીમાના વળતર પર મળતા વ્યાજની રકમમાંથી ટીડીએસ કાપવામાં આવતું હતું. તેની સામે અરજદારે હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે એકસીડેન્ટ વિમા કલેમ હેઠળ જે રકમ ચુકવાય તેના વ્યાજ પર ટીડીએસ કાપી શકાશે નહી. હાઈકોર્ટે મોટર એકસીડેન્ટ કલેમ ટ્રીબ્યુનલના મોટર વ્હીકલ એકટ 1988ની કલમ 171 હેઠળ જે વળતરની રકમ ચુકવવામાં આવે છે અને જે વ્યાજ- ‘ઈન્ટ્રેસ્ટ’ની રકમ પણ તેમાં સામેલ થાય છે તે વ્યાજની રકમ પર કોઈ ટીડીએસ કાપી શકાશે નહી. જેના કારણે હવે એકસીડેન્ટ કલેમમાં જે તે વ્યક્તિ કે તેના કુટુંબીજનને જે રકમનો ચુકાદો આપવામાં આવે તે રકમ પુરેપુરી મળશે. હાલ વિમા કંપનીઓ જે પ્રકારના અકસ્માત વળતરની રકમ ચુકવે છે તેમાં વ્યાજની ચૂકવાતી રકમ પર ટીડીએસ કપાત કરે છે.
ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને ન્યાયમૂર્તિ નિશા ઠાકોરની ખંડપીઠે એક રીટ અરજી પર આ ચૂકાદો આપ્યો હતો. જે અત્યાર સુધી અકસ્માત કલેમમાં વિમા વળતરમાં વ્યાજની જે રકમ ચૂકવાય છે તેના પર ટીડીએસ કાપતી હતી પણ હાઈકોર્ટે તેના વિશ્ર્લેષણ બાદના ચુકાદામાં સ્પષ્ટ કર્યુ કે અકસ્માત વિમા કેસમાં વળતરની રકમ પર જે વ્યાજની રકમ ચુકવાય છે તે આવક નથી. જે અકસ્માત વળતરની રકમ ચુકવાય છે તે જે તે વ્યક્તિની કમાણી-આવકની ક્ષમતાના નુકશાન બદલ કે તેને થતી ઈજા, પીડા અને અન્ય તકલીફ બદલ અપાય છે. તેનો હેતુ ‘કમાણી’ કરવાનો હોતો નથી કે જેમાં નફાનો ઉદેશ હોતો નથી. આ પ્રકારનું વળતર જીવન ગુમાવવા બદલ જે તે વ્યક્તિના કુટુંબીજનો કે પછી ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને અપાય છે અને તેથી જે આવકવેરા ધારા 1961 ની જોગવાઈ મુજબ ‘આવક’ નથી તેથી તેમાં ટીડીએસ કાપી શકાય નહી. અકસ્માત વળતર કેસમાં જે દિવસે આ વળતરનો દાવો થયો હોય તે દિવસથી વળતરના આદેશ સુધીના સમયગાળામાં જે રકમ વળતર તરીકે નિશ્ચીત થાય તેના પર નિયમ મુજબ વ્યાજની રકમ પણ ચુકવાય છે. આ સ્થિતિમાં જે વાહન માલીક કે વિમા કંપની આ વળતર ચુકવવા માટે જવાબદાર ગણ્યા તેણે કોઈ ટીડીએસ કાપ્યા વગર જ પુરી રકમ ટ્રીબ્યુનલમાં જમા કરાવાની રહે છે. જેમાં વ્યાજની રકમનો પણ સમાવેશ થાય છે.
હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યુ કે જો ચુકાદા મુજબ જે કલેમ ચુકવાતો હોય તેમાં વિલંબથી આ રકમ ટ્રીબ્યુનલમાં જમા કરાવવા બદલ જે વ્યાજ મળે તે કરમુક્ત રહેશે નહી અને તે સમયગાળા (ચુકાદા કે વળતર આદેશની તારીખ) બાદના સમયનું જો કોઈ વ્યાજ ચુકવાય તો તે ‘આવક’ ગણાશે અને તેના પર ટેક્ષ કાપી શકાશે.