પાકિસ્તાનમાં પણ વીજળી સંકટઃ શહેરોમાં 6 કલાક અને ગામડાંઓમાં 18 કલાકનો વીજ કાપ
નવી દિલ્હીઃ ભારતમાં પાવર પ્લાન્ટમાં કોલસાની અછતને કારણે અનેક રાજ્યો ઉપર વિજળીનું સંકટ ઘેરાઈ રહ્યું છે. બીજી તરફ ભારતના પડોશી દેશ પાકિસ્તાનની હાલત ખુબ જ ખરાબ હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો વીજ કાપનો સામનો કરી રહ્યાં છે. વીજ સંકટને લઈને પાકિસ્તાનની જનતામાં પણ નારાજગી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ પાકિસ્તાનના અનેક શહેરો અને ગામડાઓ વીજ સંકટનો સામનો કરી રહ્યાં છે. પાકિસ્તાનના શહેરી વિસ્તારમમાં દરરોજ 6થી 10 કલાકનો વીજ કાપ રહે છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં હાલત તેના કરતા પણ બત્તર છે. ગ્રામીણ વિસ્તારમાં દરરોજ 18-18 કલાકનો વીજ કાપનો પ્રજા સામનો કરી રહ્યાં છે. હાલ કાળઝાળ ગરમીમાં પાકિસ્તાનમાં પણ વીજળીની માંગણીમાં વધારો થયો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેની અછત દુનિયાના અન્ય દેશો ઉપર પણ પડી રહી છે. તેમજ કોલસાની અછત અનેક દેશોમાં ઉભી થઈ છે. જેની સીધી અસર વીજ ઉત્પાદન ઉપર જોવા મળી રહી છે. દરમિયાન ભારતમાં એક દિવસમાં બે લાખ મેગાવોટથી વધારેનો વીજ વપરાશ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.