અમદાવાદઃ શહેરમાં કેટલાક વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય છે. આવા વાહનચાલકોને જ્યારે રોકવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાનો સાથે માથાકૂટ કરતા હોય છે. ઘણીવાર તો ફરજ પર ઊભેલા જવાનો પર વાહનો ચડાવી દેવાનો પ્રયાસ કરાતો હોય છે. આવો જ એક બનાવ શહેરના પકવાન ચાર રસ્તા પર બન્યો હતો. કારના ચાલકને ટીઆરબી જવાને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કારચાલકે કાર ટીઆરબી જવાન પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવના વિડિયો કૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આખરે ટીઆરબી જવાની ફરિયાદને આધારે પોલીસે નાસી ગયેલા કારચાલકને ઝડપી લીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પકવાન ચાર રસ્તા પર કાર ચાલક દ્વારા ટીઆરબી જવાન પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન કરતો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે ફરાર થયેલા કાર માલિક વિરુધ્ધ ગુનો નોંધી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી. આ બનાવનો વિડીયો વાયરલ થતા 24 કલાક બાદ ગુનો નોંધાયો હતો. હાલમાં ટીઆરબી જવાનની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે એન્જીનિયર અને ઈન્ટિરિયર ડિઝાઈનર યુવાનની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના પકવાન ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમન કરતા જવાને નિયમના ઉલ્લંઘન બદલ એક કારચાલકને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કાર ચાલક દેવાંગ ચોટલિયાએ ટીઆરબી જવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરીને ત્યાંથી ભાગી ગયો હતો. જેનો વિડીયો વાયરલ થતાં પોલીસે ઘટનાના 24 કલાક બાદ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ટીઆરબી જવાનની ઘણી ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતી હોય છે. માટે જ આ બનાવની ફરિયાદ ત્યારે નોંધાઈ કે જ્યારે કાર ચાલકની કરતુતનો વિડીયો વાયરલ થયો. જે વાયરલ વિડીયોમાં કાર ચાલકની દાદાગીરી નજરે પડતી હતી. જેથી પોલીસે ટીઆરબી જવાન ક્રિપાલસિંહ જાડેજાની ફરિયાદ નોંધી ગોતાના રહેવાસી અને એન્જીનિયર કાર ચાલક કે જે અત્યારે ઈન્ટીરીયર ડિઝાઈનીંગનુ કામ કરે છે તેની ધરપકડ કરી હતી.