અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું એપરલ પાર્કથી અન્ડર ગ્રાઉન્ડ ટનલ, રિવરફ્રન્ટ સુધી દોડાવીને ટેસ્ટીંગ કરાયું
અમદાવાદઃ શહેરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઓગસ્ટ મહિનાથી મેટ્રો ટ્રેન દોડાતી થઈ જશે. હાલ મેટ્રો ટ્રેનની ટ્રાયલ ચાલી રહી છે. શુક્રવારે એપરલ પાર્કથી અંડરગ્રાઉન્ડ ટનલ થઈ રિવરફ્રન્ટ ઉપર ટ્રેનના 3 કોચ પસાર કરાયા હતા. વિશેષ વાહનની મદદથી 3 કોચને ટ્રેક પર ચલાવાયા હતા. આમ, સુરક્ષાના તમામ માપદંડ ચકાસવા પ્રાથમિક ટેસ્ટિંગ હાથ ધરાયુ હતું.
શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના પ્રથમ સ્ટેઝનું કામ પણ પુરૂ થવાની તૈયારીમાં છે. એટલે ઓગસ્ટના અંત સુધીમાં શહેરમાં એપીએમસી વાસણાથી મોટેરા સુધી અને થલતેજથી શહેરના કોટ વિસ્તારના કોરીડોરમાં મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે.ઓગસ્ટ 2022 સુધી મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી થઈ જશે. મેટ્રો ટ્રેનનુ વધુ એક ટેસ્ટીંગ હાથ ધરાયુ હતું. એપેરલ પાર્કથી મેટ્રો ટ્રેન 6.5 કિમી સુધી દોડાવાઈ હતી. કાંકરિયા અંડરગ્રાઉન્ડ ટનલમાં પહેલીવાર મેટ્રો ટ્રેન દોડાવાઈ હતી. અંડરગ્રાઉન્ડ ટનલમાંથી શાહપુર થઈ સાબરમતી નદીના બ્રીજ ઉપરથી ચલાવી ઈન્કમટેક્ષ ખાતે જૂની હાઈકોર્ટ સુધી મેટ્રો ટ્રેન લઈ જવાઈ હતી. હજી પણ મેટ્રો ટ્રેનની ટેસ્ટીંગની કામગીરી હાથ ધરાશે. ફેઝ-1 ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જો બધુ સમુસૂતરુ પાર પડ્યુ તો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એમ બે કોરિડોરના કુલ 40 કિલોમીટરના મેટ્રો ટ્રેન રૂટને ઓગસ્ટ 2022માં શરૂ કરી દેવાશે. મેટ્રો રેલના જણાવ્યા મુજબ હવે જૂની હાઇકોર્ટથી થલતેજ સ્ટેશન સુધી ટ્રેનના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદી આ મેટ્રો ટ્રેન ખાસ બની રહેવાની છે. કારણ કે, મુસાફરોને મનમોહક નજારા જોવા મળશે. સાબરમતી નદી પરથી પણ મેટ્રો દોડશે અને અંડરગ્રાઉન્ડ ટનલમાંથી પણ પસાર થશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. મેટ્રો ટ્રેનનો કુલ 21 કિલોમીટરન લાંબો કોરિડોર છે. (file photo)