ગુજરાતમાં ઉનાળુ પાકનું 11.25 લાખ હેક્ટરમાં વાવેતર, તલ,મગ અને શાકભાજીના વાવેતરમાં વધારો
ગાંધીનગરઃ ગુજરાતમાં રવિસીઝન બાદ ઉનાળુ સિઝનમાં પણ સારૂએવું વાવેતર થયું છે. રાજ્ય સરકારે ઉનાળુ વાવેતરનાં અંતિમ આંકડાઓ જાહેર કર્યા છે. આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 8 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2જી મે સુધીમાં કુલ 1125704 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષે 1041101 હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. જેની સરખામણીએ આ વર્ષે 8 ટકાનો વધારો નોંધાયો છે.
રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગત ચોમાસુ ઋતુમાં પ્રમાણસર વરસાદને કારણે જળાશયો-તળાવોમાં પાણીનો સ્ત્રોત સાથે ભુગર્ભ જળના લેવલ ઉંચા આવતા ઉનાળુ વાવેતરમાં ખેડૂતોએ મગફળી, બાજરી, અડદ, તલનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું. સૌથી વધુ આ વર્ષે અડદના વાવેતરમાં 43 ટકા, અને મગનું 19 ટકા વધારે વાવેતર નોંધાયું છે. જ્યારે આ વર્ષે મકાઈના વાવેતરમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં કુલ ઉનાળુ વાવેતર 11.25 લાખ હેક્ટર થયું છે જે ગત વર્ષે 10.41 લાખ હેક્ટરમાં નોંધાયું હતું. આ વર્ષે ઉનાળુ ઋતુના વાવેતરમાં ડાંગર 73900 હેક્ટર (2 ટકાનો વધારો), બાજરી 5354 હેક્ટર (4 ટકાનો વધારો), મગ 30146 હેક્ટર (19 ટકાનો વધારો), મગફળી 60820 હેક્ટર (2 ટકાનો વધારો), તલ 107784 હેક્ટર (10 ટકાનો વધારો), ડુંગળી 11156 હેક્ટર (60 ટકાનો વધારો), શેરડી 9606 હેક્ટર (5 ટકાનો વધારો), ગવારસીડ 7982 હેક્ટર (342 ટકાનો વધારો), અને કુલ 1125704 હેક્ટર વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ 8 ટકાનો વધારો નોંધાયો છે.
ઉનાળુ વાવેતરમાં સૌરાષ્ટ્રમાં આ સાલ ખેડૂતોમાં વધારે તલ, મગ અને શાકભાજી પ્રત્યે આકર્ષણ છે. ખેતીવાડી વિભાગની વિગતો મુજબ આ સાલ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 3,57,000 હેક્ટરમાં અને રાજ્યસ્તરે 11,25,700 હેક્ટરમાં ઉનાળુ વાવેતર નોંધાયું છે જેમાં સૌથી વધુ તલનું રાજ્યસ્તરે 1,07,800 હેક્ટર અને મગનું 70,100 અને શાકભાજીનું 1,05,200 હેક્ટરમાં વાવેતર થયું છે. પ્રવર્તમાન વર્ષે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમા સારા ઉત્તમ પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોનું ગૌણ કૃષિપાક ગણાતા ગણાતા શાકભાજીના વાવેતરમાં આકર્ષણ વધ્યું છે.
ખેતીવાડી શાખાના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 3,57,000 હેક્ટરમાં વાવેતર થયું છે તેમાં ડાંગરનું 300, બાજરીનું 25,300, મકાઇનું 700, મગનું 50,900, અડદનું 25,200, મગફળીનું 23,300, તલનું 1,01,500, ડુંગળીનું 10,400, શેરડીનું 1,200, શાકભાજીનું 22,500, ઘાસચારાનું 86,900, ગુવારગમનું 6,200 અને અન્યપાકોનું 2,600 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં કુલ 30,800, રાજકોટમાં કુલ 20,800, જામનગરમાં 18,700, પોરબંદરમાં 18,700, જૂનાગઢમાં 61,300, અમરેલીમાં 45,000, મોરબીમાં 17,800, ગીર સોમનાથમાં 53,000 અને દેવભૂમિ દ્વારકામાં 13,700 હેક્ટરમાં વાવેતર થયું છે. (file photo)