ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત રાજકિય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારોના મતો અંકે કરવા ભાજપ સહિત કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. કોંગ્રેસ દ્વારા તા.10મી મે ના રોજ દાહોદમાં આદિવાસી સત્યાગૃહ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ અધિવેશનમાં રાહુલ ગાંધી હાજરી આપવાના છે. જ્યારે ભાજપ દ્વારા કેવડિયા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એસટી અધિવેશનનું આયોજન કરાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજકીય પાર્ટીઓના શીર્ષ નેતૃત્વના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે જેના ભાગરૂપે તબક્કાવાર હવે રાજકીય પક્ષો વિવિધ જ્ઞાતિઓના અધિવેશનો આયોજિત કરીને મતદારોને રિઝવવાના અથાક પ્રયત્નો કરી રહ્યા છે. અગાઉ આમ આદમી પાર્ટી અને બીટીપી દ્વારા ભરૂચમાં આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. હવે કોંગ્રેસ દ્વારા આદિવાસી મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડા ની ગુજરાત મુલાકાત બાદ હવે કોંગ્રેસના રાહુલ ગાંધી આગામી 10મી મેના રોજ દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ ના નામે આયોજિત મહાસંમેલનમાં ખાસ હાજરી આપશે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય એસ.ટી અધિવેશનનું આયોજન કર્યુ છે જેના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યારથી જ રાજકારણ ગરમાયું છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જાહેર થવાની અનિશ્ચિતતા વચ્ચે ભાજપ કોંગ્રેસ દ્વારા અત્યારથી જ જીતવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ પણ 11મીએ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ચૂંટણીલક્ષી આંટાફેરા વધી રહ્યા છે.