જમ્મુ-કાશ્મીરના સીમાંકનમાં કાશ્મીરી પંડિતો અને ST માટે બેઠક અનામત, રાજકીયપક્ષોમાં સળવળાટ
ધરતી ઉપરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિના સફાઈ માટે દેશની સુરક્ષા એજન્સીઓ અભિયાન ચલાવી રહી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પણ દેશના અન્ય રાજ્યોની જેમ વિકાસની હરણફાળ ભરી શકે તે દિશામાં કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે. દરમિયાન તાજેતરમાં જ સીમાંકન પંચ દ્વારા તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના સીમાંકનનો અહેવાલ તાજેતરમાં જ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો હતો. જો કે, હવે જમ્મુ-કાશ્મીરના કેટલાક સ્થાનિક પક્ષો અને રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ દ્વારા સીમાંકન પંચના અહેવાલનો વિરોધ કરી રહ્યાં છે. રાજકીય વિશલેષકોના મતે વર્ષો સુધી જમ્મુ-કાશ્મીરમાં મુફતી અને અબ્દુલા પરિવારનું શાસન રહ્યું છે. પરંતુ હવે વિશેષ રાજ્યનો દરરજો રદ થઈ જતા જમ્મુ-કાશ્મીરમાં પણ દેશના અન્ય રાજ્યોની જેમ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનો સ્થાનિકોને લાભ મળશે. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર પણ અન્ય રાજ્યોની જેમ વિકાસની હરણફાળ ભરશે. પ્રથમ કિસ્સામાં, સીમાંકન પ્રક્રિયાએ વિધાનસભામાં જમ્મુનું વજન વધાર્યું છે.
2011ની વસ્તી ગણતરી મુજબ, જમ્મુ અને કાશ્મીરની કુલ વસ્તીમાં મુસ્લિમોની બહુમતી છે. કાશ્મીર પ્રદેશમાં 96.4 ટકા મુસ્લિમ વસ્તી અને માત્ર 2.5 ટકા હિંદુ છે, જ્યારે જમ્મુ ક્ષેત્રમાં 62.6 ટકા હિંદુ અને માત્ર 33.5 ટકા મુસ્લિમ છે. સીમાંકન પંચની ભલામણોમાંથી સૌથી મોટું તારણ એ છે કે જમ્મુ ક્ષેત્રમાં વિધાનસભાની વસ્તીના હિસ્સાની સરખામણીએ વિધાનસભા મતવિસ્તારોની સંખ્યામાં વધારો થશે. સીમાંકન આયોગે 2 વર્ષ અને 2 મહિનામાં પોતાનો અંતિમ રિપોર્ટ આપી દીધો છે. જ્યારે 1995નું સીમાંકન 7 વર્ષ સુધી ચાલ્યું હતું. જમ્મુ અને કાશ્મીરનું સીમાંકન દેશના અન્ય ભાગોથી અલગ હતું. હવે રાજ્યનો વિશેષ દરજ્જો પરત લઈ લેવાતા સીમાંકનની સમગ્ર કવાયત ભારતના બંધારણ મુજબ કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીર માટે સીમાંકન આયોગની રચના સૌપ્રથમ 1952માં કરવામાં આવી હતી. જે બાદ તેને 1963, 1973 અને 2002માં બનાવવામાં આવી હતી. અંતિમવાર 1995માં 22 વર્ષ બાદ રાજ્યનું છેલ્લીવાર સીમાંકન કરવામાં આવ્યું હતું. 2002માં જમ્મુ અને કાશ્મીર માટે સીમાંકન થવાનું હતું. પરંતુ ફારુક અબ્દુલ્લાની આગેવાની હેઠળની જમ્મુ અને કાશ્મીરની તત્કાલીન નેશનલ કોન્ફરન્સ સરકારે 2026 સુધી સીમાંકન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માટે અબ્દુલ્લા સરકારે જમ્મુ અને કાશ્મીરના લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ અને જમ્મુ અને કાશ્મીરના બંધારણની કલમમાં સુધારો કર્યો હતો. જેથી વિવાદ સર્જાયો હતો. અબ્દુલ્લા સરકારના આ પગલાને વિધાનસભામાં જમ્મુ કરતા કાશ્મીરને વધુ શક્તિશાળી રાખવાની કવાયત તરીકે જોવામાં આવી હતી. હવે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થતાં, તેના અલગ બંધારણ અને નિયમોનું અસ્તિત્વ રહ્યું નથી. જેથી રાજ્યમાં નવીનતમ સીમાંકન જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવ્યું છે.
સીમાંકન પંચે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર એટલે કે POJKમાંથી વિસ્થાપિત થયેલા લોકોને પ્રતિનિધિત્વ આપવાની પણ ભલામણ કરી છે. પંચે કહ્યું છે કે કેન્દ્ર POJKમાંથી વિસ્થાપિત લોકો માટે નામાંકિત સીટ પર વિચાર કરી શકે છે. 7 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવશે. પ્રથમ વખત રાજ્યમાં ST માટે 9, જમ્મુ ક્ષેત્રમાં 6 અને કાશ્મીર પ્રદેશમાં 3 બેઠકો અનામત રાખવામાં આવશે.
પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (POJK) માટે આરક્ષિત 24 બેઠકો પહેલાની જેમ ખાલી રહેશે, એટલે કે ટેકનીકલી રીતે કુલ વિધાનસભા બેઠકો 90 નહીં પરંતુ 114 હશે. કલમ 370 દૂર કરવામાં આવતા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત થઈ ગયો હતો. રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યા હતા. પહેલા જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કુલ 87 બેઠકો હતી. તેમાંથી 46 કાશ્મીર વિભાગમાં, 37 જમ્મુમાં અને 4 લદ્દાખ ક્ષેત્રમાં હતા. 24 બેઠકો POJK માટે હતી જે ખાલી રહેતી હતી. ટેકનિકલી તે સમયે 111 બેઠકો હતી જેમાંથી 87 પર ચૂંટણી યોજાઈ હતી. હવે 114 બેઠકો હશે જેમાંથી 90 બેઠકો પર ચૂંટણી થશે. જમ્મુ-કાશ્મીરના સીમાંકનને લઈને બુદ્ધિજીવીઓ પણ અનેક વર્ત-વિતર્કો રજૂ કરી રહ્યાં છે. જો કે, જમ્મુ-કાશ્મીરના હિત માટે આ સીમાંકન યોગ્ય હોવાનું રાજકીય પંડિતો માની રહ્યાં છે.