સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ ગણાતા ખારાઘોડાના અફાટ વિસ્તારમાં કાળઝાળ અંગારા ઓકતી ગરમીમાં પણ અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવી રહ્યા છે. ભારતની જરૂરિયાતનું 76 ટકા મીઠું કચ્છના નાનાં રણમાં પાકે છે. એમાં પણ બે ભાગ છે. એક, દરિયાના પાણીથી પાકતું મીઠું અને બીજું રણમાં જમીનની અંદરથી નીકળતા પાણીમાંથી બનતું મીઠું. જમીનની અંદરથી પાણી નીકળે છે તેવા રણ વિસ્તારમાં ગયા વર્ષથી પાણીમાં ઘટાડો થઈ રહ્યો છે. આવા વિસ્તારને ઈન્લેન્ડ ઝોન કહેવાય. આ વખતે તો, જે રીતે પાણી બહાર આવે છે તે જોતાં એમ કહી શકાય કે તે પાણી ખતમ જ થઈ રહ્યું છે. માંડ માંડ પાણી બહાર આવે છે. જો આ સ્થિતિ યથાવત્ રહી તો એવું પણ બનશે કે ચાર વર્ષ પછી કચ્છના નાનાં રણના ઈન્લેન્ડ ઝોનની જમીનમાં મીઠું પાકશે જ નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના રણનાં બે ભાગ છે. નાનું રણ અને મોટું રણ, મોટા રણમાં રેતી છે અને નાનાં રણમાં રેતી અને માટી મિક્સ છે. જ્યાં મીઠાંની ખેતી મોટાપાયે થાય છે તેમાં પણ બે ભાગ છે. સૌરાષ્ટ્ર-કચ્છને જોડતા સૂરજબારી પુલથી લઈ સૌરાષ્ટ્ર તરફ હેજિયાસર, માળિયા મીયાણા, કાજરડા અને ખીરઈ સુધી 21 કિલોમીટરના પટ્ટામાં દરિયાની ખાડીનું પાણી આવે છે અને તેમાંથી મીઠું પાકે છે. તેનાથી આગળ, જે રણ છે તે વેણાસર-ટીકરથી શરૂ થાય છે અને હળવદ પાસે પૂરું થાય છે. ટીકરથી હળવદ વચ્ચેના 41 કિલોમીટરના પટ્ટામાં સૌથી વધારે મીઠું ખારાઘોડામાં થાય છે. અહીં દરિયાઈ ખાડીનું પાણી આવી શકતું નથી એટલે જમીનમાંથી પાણી ખેંચવામાં આવે છે. જમીનમાંથી જે પાણી નીકળે છે તેની ઘનતા 10થી 12 (કિલોગ્રામ પ્રતિ ઘન મીટર) હોય છે. આ પાણી અત્યંત ખારું છે. પછી જમીનમાંથી નીકળેલા આ પાણીને ચોરસ પાડેલા ભાગમાં ઠાલવવામાં આવે છે. આ ચોરસ ભાગને ‘પાટ’ કે ‘પટો’ કહે છે. આ પાટની અંદર પાણી પડ્યું રહે, તેની ઘનતા વધારવામાં આવે અને ઘનતા 24 (કિલોગ્રામ પ્રતિ ઘન મીટર) કરવામાં આવે ત્યારે આ પાણી જામી જાય છે અને તેના બિંદુઓ મીઠાંના ગાંગડામાં પરિવર્તન પામે છે. આ કાચા મીઠાંને ઢગલાના રૂપમાં અફાટ રણમાં પાથરવામાં આવે છે. મીઠાંના ઢગલાને ‘ગંજા’ કહે છે. આમ અગરિયાઓ પણ કાળી મજુરી કરીને મીઠું પકવતા હોય છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં વીજળીની તંગી ઊભી થઈ છે. વીજળીના ઉત્પાદન માટે વધારે કોલસાની જરૂર પડી. ગુજરાત સરકારે રાજ્યમાં વધારે કોલસો આયાત કરવા રેલવેના વેગન વધારી દીધા છે. જે વેગન વધારી દીધા તેની સામે મીઠાંના વેગન ઓછાં કર્યા છે. જેના કારણે મીઠાંની નિકાસ ઓછી થઈ. એટલે અત્યારે નાનાં રણમાં મીઠું પાકે છે તેનો ભરાવો થઈ રહ્યો છે. વેપારીઓ ગોડાઉન ભરે છે. હવે ત્રણ મહિના પછી ચોમાસું આવશે ત્યારે પડી રહેલા મીંઠાના જથ્થાને બહાર મોકલવું મુશ્કેલ બનશે. માટે અત્યારથી મીઠાંની નિકાસ વધારે થાય તો હજી પણ તેજી આવે એવું મીઠાંના વેપારીઓ માની રહ્યા છે.