ધોરણ 9 અને 11માં ઘણાબધા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાથી રિ-ટેસ્ટ લેવા શાળા સંચાલકોની માંગ
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 9 અને 11ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ઘણાબધા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાથી શાળા સંચાલક મંડળે ફરીથી ધો. 9 અને ધો. 11ની પરીક્ષા લેવા માટે રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી છે.
રાજ્યમાં કોરોનાને કારણે ગત વર્ષે સ્કૂલોમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. અગાઉના વર્ષે પણ વિદ્યાર્થીને માસ પ્રમોશન મળ્યું હતું, જેના કારણે આ વર્ષે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે ત્યારે ધોરણ 9 અને 11માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જેને લઈને સંચાલક મંડળે વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ માટે માંગણી કરી છે. રાજ્ય શાળા સંચાલક મંડળે ગુજરાત બોર્ડના સચિવને પત્ર લખીને જણાવ્યું છે કે, વર્ષ 2020-21 અને 2021-22માં શિક્ષણ મોટા ભાગે ઓનલાઈન ચાલ્યું છે. ગત વર્ષે અને આ વર્ષે પણ ધોરણ 1 થી 8માં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધોરણ 9 અને 11માં આ વર્ષે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ધોરણ 8માંથી ગત વર્ષે માસ પ્રમોશન મેળવીને 9માં ધોરણમાં અને ધોરણ 10માં માસ પ્રમોશન મેળવીને ધોરણ 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન મળ્યું નથી.આ વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી છે તેનું પરિણામ આવ્યું છે. સ્કૂલના પરિણામમાં ઘણાબધા વિદ્યાર્થી નાપાસ થયા છે.
શાળા સંચાલક મંડળે એવી પણ રજુઆત કરી હતી કે, કોરોનાને કારણે વિદ્યાર્થીઓ ઘણુબધુ સહન કર્યું છે.આથી ધો, 9 અને ધો. 11ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ યોજવી જોઈએ. ભૂતકાળમાં પણ રિ-ટેસ્ટના નિર્ણયો લેવાયા છે. વિદ્યાર્થીઓનું એક વર્ષ ના બગડે તે જરૂરી છે. (file photo)