સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં રેકોર્ડ સર્જાયો, પ્રતિ મણના ભાવ રૂપિયા 2700એ પહોંચ્યા
રાજકોટઃ રવિ સીઝનના પાકના ખેડુતોને આ વર્ષે એકંદરે સારા ભાવ મળ્યા છે. જેમાં કપાસના ભાવમાં તો સીઝનની શરૂઆતથી જ ભાવ વધારો થઈ રહ્યો છે. હાલ જેતપુર યાર્ડમાં હાલ સારી ગુણવત્તાવાળા કપાસના પ્રતિ મણના ભાવ 2700 રૂપિયા ઉપજતા ખેડુતો ખૂશખૂશાલ બની ગયા હતા. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં ‘વ્હાઇટ ગોલ્ડ ગણાતા કપાસની ઘટતી આવકો વચ્ચે જીનર્સો દ્વારા જબરી ડિમાન્ડ નીકળતા ઐતિહાસિક સ્તરે કપાસના પ્રતિ મણના રૂ.2700 સુધીના ભાવ બોલાયા છે. જેતપુર યાર્ડમાં સૌથી વધુ કાચા કપાસના મણના રૂ.2700ના ભાવ પડ્યા હતા, જ્યારે રાજકોટમાં રૂ.2625 અને ગોંડલમાં રૂ.2571ના ભાવ બોલાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ્સમાં કપાસની ક્વોલિટી ખૂબ જ સારી આવતી હોવાથી ભાવ જેટ ગતિએ ઊંચકાયા છે. જેતપુર યાર્ડના સૂત્રોએ કહ્યુ હતું કે, કપાસની 590 ક્વિન્ટલની આવકે પ્રતિ મણના રૂ.1711-2700ના ભાવ બોલાયા હતા. રાજકોટ યાર્ડમાં 2330 ક્વિન્ટલની આવકે પ્રતિ મણના રૂ.2000-2599ના ભાવ પડ્યા હતા. એક એન્ટ્રી રૂ.2625ની પડી હતી. ગોંડલ યાર્ડમાં કપાસની 1125 ક્વિન્ટલની આવકે રૂ.1101-2571, વાંકાનેર યાર્ડમાં 100 ક્વિન્ટલની આવકે રૂ.1700-2375, જસદણ યાર્ડમાં 1000 ક્વિન્ટલની આવકે રૂ.1950-2700, મોરબી યાર્ડમાં માત્ર 51 ક્વિન્ટલની આવકે રૂ.1785-2215, જામજોધપુર યાર્ડમાં 140 ક્વિન્ટલની આવકે રૂ.1800-2500, જામનગર યાર્ડમાં પ્રતિ મણના રૂ.2550-4130 તેમજ બોટાદ યાર્ડમાં 1998 ક્વિન્ટલની આવકે રૂ.1475-2641ના ભાવ બોલાયા હતા.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ વર્ષે ભારત સિવાય દુનિયાના દેશોમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેના લીધે ભારતીય બજારોમાં કપાસના ભાવ ઉંચકાયા છે. હાલ મિલરો તરફથી કપાસની મોટી માગ નીકળી છે. તેથી ગુજરાતના ખેડુતોને કપાસના ભાવમાં સારોએવો ફાયદો થયો છે. સારાભાવને લીધે ખરીફ સીઝનમાં કપાસના વાવેતરમાં વધારો થવાની પણ શક્યતા છે.