ગુજરાતમાં 59 ગ્રાન્ટેડ બીએડ કોલેજોમાં પ્રવેશ માટે 29મી મેના રોજ પરીક્ષા લેવાશે
ગાંધીનગરઃ રાજ્ય ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડાયેલી 59 ગ્રાન્ટેડ બી.એડ કોલેજમાં પ્રવેશ માટે 29મી મેના રોજ પ્રવેશ પરીક્ષા લેવાશે. પ્રવેશ ઇચ્છતાં વિદ્યાર્થીઓ આગામી 15મી મે સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરી શકશે. 4થી જૂનના રોજ પરિણામ જાહેર કરીને પ્રવેશ કાર્યવાહી શરૂ કરાશે.રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી ગ્રાન્ટેડ કોલેજોના ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડ્યા બાદ હવે પ્રવેશ પરીક્ષાના આધારે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આગામી વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટીચર્સ યુનિવર્સિટી સંલગ્ન 59 જેટલી બીએડની ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા આગામી તા. 29મી મેના રોજ યોજાશે. આ પ્રવેશ પરીક્ષા ગ્રાન્ટેડ બી.એડ કોલેજની 2950 બેઠકો ઉપરાંત આઇઆઇટીઇમાં ચાલતાં ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો બી.એસસી-બી.એડ, બી.એ.બી.એડની 100-100 બેઠકો અને ઇનોવેટિવ કોર્સ એમએસસી-એમ.એ.-એમ.એડની 100 બેઠકો ઉપરાંત બી.એડ-એમ.એડની 50 બેઠકો અને એમ.એડ ગુજરાતી માધ્યમ અને એમએડ અંગ્રેજી માધ્યમની 50-50 બેઠકો માટે પણ આ પ્રવેશ પરીક્ષાના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. પ્રવેશ માટેની પરીક્ષાનું આયોજન રાજ્યના 35 કેન્દ્રો પર કરવામાં આવશે. પ્રવેશ ઇચ્છતાં ઉમેદવારો તૈયારી કરી શકે તે માટે ગતવર્ષે લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રો, ફોર્મ ભરવાની માહિતી સહિતની વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
આ ઉપરાંત બી.એડ કોલેજોની યાદી પણ વેબસાઇટ પર મુકવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓ કઇ કઇ કોલેજમાં પ્રવેશ માટે આ પરીક્ષા આપવી પડશે તેની જાણકારી મેળવી શકશે. 4થી જૂનના રોજ પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા બાદ 1લી જુલાઇથી દરેક બી.એડ કોલેજમાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ટીચર્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન ગ્રાન્ટેડ બી એડ કોલેજમાં હવે 1લી જૂનથી 29મી જૂન સુધી 29 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે દરેક યુનિવર્સિટીએ 1લી મેથી 5મી જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે. આ યુનિવર્સિટીએ અગાઉ જુલાઇમાં વેકેશન જાહેર કર્યા બાદ હવે ફેરફાર કરીને જૂનમાં 29 દિવસનું વેકેશન આપવાની જાહેરાત કરી છે.