આંધ્રપ્રદેશના દરિયા કિનારે ઉંચા મોજાઓ સાથે ગોલ્ડન રંગનો રથ તણાઈ આવ્યો
બેંગ્લોરઃ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારે અસની નામનું દરિયાઈ વાવાઝોડુ ત્રટકાય તેવી શકયતા છે. દરમિયાન આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં દરિયા કિનારે ગોલ્ડન કલરના રથ જેવી વસ્તુ તણાઈને આવતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. બીજી તરફ રથ ક્યાંથી આવ્યો છે તેને લઈને પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં સુન્નાપલ્લી સી હાર્બર ખાતે ચક્રવાતી તોફાન અસની વચ્ચે ગોલ્ડન રંગનો રથ ધાર્મિક રથ મળી આવ્યો હતો. સુવર્ણ રંગથી ઢંકાયેલો એક સુંદર રથ દરિયામાં વહેતો આવ્યો હતો. આ રથ મ્યાનમાર, મલેશિયા અથવા થાઈલેન્ડથી વહીને અહીં પહોંચ્યો હોવાનું મનાઈ રહ્યું છે. સંતબોમાલીના ઉચ્ચ અધિકારી જે ચલમૈયાએ કહ્યું કે તે અન્ય કોઈ દેશમાંથી આવ્યો ન હોઈ શકે. તેમણે કહ્યું હતું કે, રથનો ઉપયોગ ભારતીય દરિયાકાંઠે ક્યાંક ફિલ્મ શૂટ કરવા માટે થયો હોવો જોઈએ. પરંતુ ભરતીને કારણે આ રથ અહીં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. નૌપાડાના એસઆઈએ કહ્યું કે તે કોઈ અન્ય દેશમાંથી આવ્યો હોઈ શકે છે. અમે ઈન્ટેલિજન્સ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે.
દરિયામાં તણાઈને આવેલા રથને સ્થાનિક ગ્રામજનોએ દોરડાથી બાંધીને કિનારે લઈ ગયા હતા. રથનો આકાર દક્ષિણપૂર્વ એશિયાના દેશોના મઠ જેવો છે. ચક્રવાત આસાનીની અસરને કારણે રથ અહીં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારાના વિસ્તારોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવ્યાં છે.