અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો જુલાઈથી પ્રારંભ થશે. અને યુનિ.સંલગ્ન વિનિયન,વાણિજ્ય અને વિજ્ઞાનની કોલેજો જુલાઈથી જ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યથી ધમધમતી થઈ જશે. હાલ કોલેજો અને યુનિ.ભવનોમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યુ છે. આ વખતે કોલેજોના પ્રથમ વર્ષમાં યુનિ.એ ઓનલાઈન પ્રવેશની વ્યવસ્થા કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાને કારણે 2 વર્ષથી પ્રવેશ, પરીક્ષા અને પરિણામની કામગીરી મોડી થઈ રહી હતી. પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા રાબેતા મુજબ કામગીરી શરૂ થઈ છે. ત્યારે હવે જૂન મહિનામાં વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર પૂરું થશે અને જુલાઈથી નવું સત્ર શરૂ થશે. માર્ચ 2020થી કોરોના શરૂ થતાં શિક્ષણ પર અસર થઈ હતી. જેના કારણે ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો હતો. કેટલીક પરીક્ષા પણ ઓનલાઇન લેવામાં આવી રહી હતી તો કેટલીક ઓફલાઇન પણ યોજાતી હતી. ઓફલાઇન પરીક્ષા મોડી શરૂ થતાં સત્ર મોડું પૂરું થયું હતું. ત્યાર બાદ ગત વર્ષે ધોરણ 10 અને 12માં એડમિશન મોડા થયા હતા જે બાદ પરીક્ષા પણ મોડી યોજવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાઓ કોરોનાને લીધે બે મહિના મોડી શરૂ થઈ હતી, પરંતુ ત્યારબાદ કોરોનાના કેસ ઘટતા હવે બીજી પરીક્ષા ઝડપથી લેવાઈ હતી.. હવે સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે જે જૂન મહિનામાં પૂર્ણ થશે. ત્યારબાદ વર્ષ 2021-22નું શૈક્ષણિક વર્ષ પૂરું થશે. આ બાદ 2022-23નું શૈક્ષણિક સત્ર જુલાઈ મહિનામાં શરૂ થશે. આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવશે તે બાદ અગાઉની જેમ સમયસર ગુજરાત યુનિવર્સિટીનું સત્ર પૂરું થશે.