પીએમ મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે નેપાળમાં લુમ્બિનીની એક દિવસીય મુલાકાત લેશે- સાંજે યુપીમાં સીએમ આવાસ પર કરશે ભોજન
- પીએમ મોદી એજ સાંજે યુપીના મંત્રીઓ સાથે કરશે બેઠક
- સાંજ મુખ્યમંત્રી આવાસ પર ભોજન કરશે
દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ સોમવારે બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના જન્મસ્થળ નેપાળમાં લુમ્બિનીની એક દિવસીય મુલાકાત લેશે. 2014માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ આ તેમની નેપાળની પાંચમી વખતની મુલાકાત છે. પીએમ ત્યાં માયાદેવી મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ પછી, નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા સાથે પણ હાઇડ્રોપાવર અને કનેક્ટિવિટી સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે વાતચીત કરશે.
આ સાથે જ રિટર્નમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આવાસ પર રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓ સાથે વાતચીત કરશે. લગભગ એક કલાક સુધી પીએમ મોદી તેમને સુશાસન, સંગઠન સાથે તાલમેલ, લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો મંત્ર આપશે.
ઉલ્લેખનીય છે કે આજરોજ સોમવારે કુશીનગરથી પરત ફરતી વખતે વડાપ્રધાન સાંજે અમૌસી એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ સીધા જ મુખ્યમંત્રી આવાસ પર જવા માટે રવાના થશે.
આ સાથે જ મળતી જાણકારી પ્રમાણે મુખ્યમંત્રી આવાસ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ સરકારના મંત્રીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ વડાપ્રધાન મંત્રીઓ સાથે રાત્રી ભોજન કરીને દિલ્હી પરત ફરશે.