બ્રિક્સ સમ્મેલન પહેલા આજે 5 દેશોના વિદેશમંત્રીઓની વીડિયો કોન્ફોરન્સ દ્રારા બેઠક યોજાશે – મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં સામેલ થશે
- બ્રિક્સ સમ્મેલન પહેલા 5 દેશોના વિદેશમંત્રીઓની ડિજિટલ બેઠક
- મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં સામેલ થશે
દિલ્હીઃ- આજરોજ 19 મે ના ગુરુવારે બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાવા જઈ રહી છે. યુક્રેન પર રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ બાદ બ્રિક્સના વિદેશ મંત્રીઓની આ પ્રથમ બેઠક છે. વિદેશ મંત્રી એસ. જયશંકર ગુરુવારે ચીન, રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના તેમના સમકક્ષો સાથે બ્રિક્સ વિદેશ પ્રધાનોની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે. આ બેઠક આવતા મહિને યોજાનારી નેતાઓની સમિટ પહેલા થઈ રહી છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને જણાવ્યું હતું કે જયશંકર ઉપરાંત દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકાર મંત્રી નાલેદી પાંડોર, બ્રાઝિલના વિદેશ મંત્રી કાર્લોસ ફ્રાન્કા અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ પણ બેઠકમાં ભાગ લેશે. તેની અધ્યક્ષતા ચીનના સ્ટેટ કાઉન્સેલર અને વિદેશ મંત્રી વાંગ યી કરશે.
વેનબિને એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે મીટિંગ દરમિયાન બ્રિક્સ વિદેશ મંત્રીઓ ઉભરતા બજારો અને વિકાસશીલ દેશોના તેમના સમકક્ષો સાથે ‘બ્રિક્સ પ્લસ’ સંવાદ કરશે. જોકે, તેમણે ‘બ્રિક્સ પ્લસ’ મંત્રણામાં ભાગ લેનારા દેશોના નામ જાહેર કર્યા ન હતા. ચીન આ વર્ષે BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા)ની અધ્યક્ષતા કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જંગને ચીને અમેરિકા અને ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન નાટોની આક્રમક વિસ્તાર યોજનાને જવાબદાર ઠેરવી છે. તેવામાં આ યોજાનારી વિદેશ મંત્રીઓની બેઠકમાં રશિયા અને યુક્રેનના મુદ્દે સંવેદનશીલ ચર્ચા થઈ શકે છે