મુંદ્રાઃ આસપાસના વિસ્તારમાં આગ લાગે ત્યારે અદાણી પોર્ટ્સ એન્ડ સીઝની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી જાય છે
અમદાવાદઃ સામાન્ય રીતે જ્યારે પણ આગ લાગે છે ત્યારે અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગ્રેડને કોલ કરવામાં આવે છે પરંતુ મુદ્રા અને તેની આસપાસના વિસ્તારમાં જ્યારે મોટી આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગ્રેડના સિવાય પણ એક અન્ય ખાનગી કંપનીને મદદ માટે ફોન કરવામાં આવે છે અને તે ખાનગી કંપનીનું નામ છે અદાણી પોર્ટ્સ એન્ડ સીઝ (APSEZ). જેની ફાયર સર્વિસ એટલી સુસજ્જ અને સક્ષમ છે કે ધણીવાર ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પણ મોટી આગની ઘટનાઓમાં વધારાની મદદ માટે તેમને કોલ કરવામાં આવે છે. એટલું જ નહીં, ગત 15 મહિના દરમિયાન જ આગ અને બચાવની ઘટના માટે APSEZ ફાયર સર્વિસને 86થી વધુ ફોન આવ્યા છે. જેમાંથી 30 ફોન મોટી આગની ઘટનાઓના હતા, જેમાં ત્વરિત મદદ ના મળતા સ્થિતિ વણસી શકે તેવી હતી. ઉલ્લેખનીય છે કે APSEZની ફાયર સર્વિસ ટીમને ઔદ્યોગિક આગ લાગે ત્યારે તેના પર કાબુ મેળવવા માટે ટ્રેઇન કરવામાં આવી છે. અદાણી પોર્ટ પર પેટ્રોલ, LPG ગેસ જેવા જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો આવતો રહેતો હોય છે. આ ઉપરાંત, આસપાસ આવેલી કંપની કે તેમના પ્લાન્ટ્સમાં પણ જ્યારે આગની ઘટનાઓ બને છે ત્યારે APSEZની ફાયર સર્વિસ સેવાઓની મદદ માંગવામાં આવે છે. હાલમાં જ આવી ઘટનાઓમાં APSEZની ફાયર સર્વિસ ટીમ દ્વારા અન્ય કંપનીઓના આશરે 11 કરોડ કરતા વધુ જેટલા માલ-સામાનને આગમાં ભડથું થતા બચાવવામાં આવ્યો હતો.
થોડા સમય પહેલા જ મારુતિ સુઝુકી કારના કેરિયર ટ્રેલર કેબિનમાં આગ લાગી ત્યારે APSEZની ટીમને બોલવવામાં આવી હતી. આ કેરિયરમાં 6 ગાડીઓ હતી. APSEZ દ્વારા લેવામાં આવેલા ત્વરિત પગલાંના કારણે આ ઘટનામાં મારુતિની 48 લાખ જેવી મિલકતને આગમાં નાશ પામતા બચાવી લેવામાં આવી હતી.
આ ઉપરાંત, મેસર્સ નાયશા એમ્પટી પાર્ક પ્રા. લિ. માં ટ્રક કેબિનમાં આગ લાગી હતી. આ આગ બે ટ્રક કેબિનમાં લાગી હતી જેની આસપાસ જ કુલ 30 ટ્રક પાર્ક કરવામાં આવી હતી. જેમાં પણ આ આગ ફેલાવવાની સંભાવના હતી, પણ APSEZ ફાયર સર્વિસ દ્વારા ઝડપી કામગીરી કરીને 10.5 કરોડના માલને બચાવી લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શહેરમાં પણ કોઇ ઘરમાં આગ લાગ્યાની ઘટનાઓ બને છે ત્યારે ફાયર બ્રિગ્રેડની સાથે APSEZની પણ આગ શાંત કરવા માટે મદદ લેવામાં આવે છે. મુન્દ્રાના ખારવા ચોકમાં હાલમાં જ એક ખાલી ઘરમાં આગની ઘટના બની હતી. આ ઘર ગીચ રહેણાંક વિસ્તારમાં આવ્યું હતું. આ આગ આજુ બાજુના ઘરને પણ લાગે તેવી સંભાવના હતી. ત્યારે ફાયરની ટીમે ઝડપી નિર્ણય લઇને આસપાસના ઘર ખાલી કરાવ્યા અને આ આગ કાબુમાં લઇને મોટી જાન-માલના નુક્શાનને થતું રોક્યું. આજ કારણ છે કે રોટ્રરી ક્લબ ઓફ મુન્દ્રા અને અન્ય NGO સંસ્થા દ્વારા અવરાનવાર APSEZ ફાયર સર્વિસ ટીમના કામને પુરસ્કૃત કરી બિરદાવવામાં આવે છે. આ ઉપરાંત, રોડ અકસ્માત અને આગની ઘટનામાં જ્યારે કારમાં લોકો ફસાઇ જાય છે ત્યારે પણ APSEZની ફાયર ટીમ લોકોની મદદ કરે છે. ગત 14 મહિનામાં આવા જ અકસ્માતોમાં અલગ અલગ ઘટનામાં પાંચ જેટલા વ્યક્તિઓનો જીવ બચાવવામાં આવ્યો છે. આમ ખાનગી માલિકીની ફાયર સર્વિસ હોવા છતાં જ્યારે પણ આગની ઘટના બને છે ત્યારે લોકરક્ષાના ભાવ સાથે આ ફાયર સર્વિસ ટીમ તેની ફરજ બજાવે છે અને મુશ્કેલીમાં ફસાયેલા લોકોના જીવ અને જાન-માલના નુક્શાનને થતું રોકે છે. જે ખરેખરમાં સરાહનીય કામ છે.