રાજકોટની સરકારી લાયબ્રેરીના કેમ્પસમાં 13 લીલાછમ વૃક્ષોના નિકંદનના મામલે ગુનો નોંધાશે
રાજકોટઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જેમાં રાજકોટ શહેરમાં પણ લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી આડેધડ લીલાછમ વૃક્ષોના નિકંદનને લીધે શહેરમાં પર્યાવરણના પ્રશ્નો પણ ઊભા થયા છે. ત્યારે શહેરની જિલ્લા લાઇબ્રેરીના પરિસરમાં એક સાથે 13 વૃક્ષને થડથી જ કાપી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં કચવાટ ઊભો થયો છે. આ મામલે લાઇબ્રેરિયને મંજૂરી સાથે વૃક્ષ કાપ્યાની વાત આવતા મ્યુનિસિપલ કમિશનરે તુરંત જ નાયબ કમિશનર એ.આર. સિંઘને તપાસ કરવાનો આદેશ કર્યો હતો જોકે તેમાં વૃક્ષ કાપવાની નહિ પણ માત્ર ટ્રિમિંગની જ મંજૂરી આપવામાં આવી હતી અને ગેરકાયદે વૃક્ષ કાપ્યાનું સામે આવતા હવે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે નવરંગ નેચર ક્લબ સહિતના પર્યાવરણપ્રેમીઓએ આ વૃક્ષછેદનનો વિરોધ કર્યો હતો.
શહેરના ગાર્ડન શાખાના ઈન્ચાર્જ ડાયરેક્ટર એલ.જે. ચૌહાણે જણાવ્યું હતું કે, ‘જિલ્લા લાઇબ્રેરીના ગ્રંથપાલના હોદ્દાની રૂએ વૃક્ષોની ટ્રિમિંગ કરવાની અરજી આવી હતી જેમાં બિલ્ડિંગને કેટલીક ડાળીઓ અડતી હોવાથી કાપવા મંજૂરી માગી હતી તેથી 8 વૃક્ષની ડાળીઓ કાપવા મંજૂરી અપાઇ હતી. આ મંજૂરી લાઇબ્રેરિયન સ્મિતકૌર સેહર નામના મહિલા ગ્રંથપાલે ગત તા. 22-2ના રોજ લીધી હતી અને તે જ સમયે વૃક્ષો કપાયા હોય તેવું લાગે છે. જે 13 ઝાડ કપાયા છે, તેમાં પીપળ, પીપળો, ગોરસ આંબલી તેમજ અન્ય લીમડાનો સમાવેશ થાય છે. આ મામલે ગેરકાયદે વૃક્ષછેદન બદલ સૌરાષ્ટ્ર વૃક્ષછેદન કાયદા હેઠળ કાર્યવાહી થશે ઉપરાંત રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન તેમજ લાકડાંના ગેરકાયદે વેચાણનો મુદ્દો પણ આવરી લીધો છે અને લીગલ નોટિસ મોકલી ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ રહી છે.’ આ મામલે જાણવા મળ્યું હતું કે, જે તે સમયે વૃક્ષો કાપ્યા ત્યારે લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને આવેદન પણ આપ્યું હતું જોકે ત્યારે લાઇબ્રેરિયને પોલીસને બોલાવીને અવાજ દબાવવા પણ પ્રયાસ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરની સરકારી લાયબ્રેરીમાં લીલાછમ 13 જેટલા વૃક્ષોને જડમૂળમાંથી કાપ્યા બાદ વૃક્ષછેદનનો મુદ્દો છુપાવી રાખવામાં આવ્યો હતો. લાઇબ્રેરીની કમ્પાઉન્ડ વોલ પાસે જે દીવાલ છે તે વૃક્ષો યથાવત્ રહ્યા હતા અને અંદરના વૃક્ષ કાપ્યા હતા, પરંતુ મ્યુનિ.ની ટીમ તપાસ માટે પહોંચી ત્યારે કપાયેલા વૃક્ષો પૈકી ગોરસ આંબલી અને પીપળના કૂંપળ ફૂટેલા હતા.