પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના ડેમો અને જળાશયોમાં પાણીનો જથ્થો સરેરાશ 10થી 12 ટકા જ બચ્યો છે. સરકાર દ્વારા નર્મદા યોજનાથી બનાસકાંઠાના ડેમો અને જળાશયોમાં પાણી ઠાલવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પણ એનો અમલ થયો નથી, ત્યારે પાલનપુર અને વડગામના ખેડુતોએ કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની માગણી કરી છે. અને બન્ને તાલુકાના 25 હજાર જેટલા ખેડુતોની આગામી તા. 26મી મેએ રેલી યોજાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વડગામ ખેડુતોને સિંચાઈનો લાભ મળે તે માટે કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનાં નીર ભરવાની માગને લઈ છેલ્લા એક મહિનાથી ગામડે ગામડે કળશ પૂજા કરી ખેડૂતો જળ આંદોલન માટે જાગૃત બની રહ્યા છે. ત્યારે આગામી 26 તારીખે પાલનપુર તેમજ વડગામ તાલુકાનાં 125 ગામડાઓના 25 હજાર ખેડૂતો દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ બનાસકાંઠાના સાંસદ તેમજ કલેક્ટરે પણ ખેડૂતોની મુલાકાત લઈ ખેડૂતોની પાણીની માગની માહિતી મેળવી હતી. ત્યારે હવે ખેડૂતોના જળ આંદોલનને લઈ ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ તેમજ મહામંત્રી કરમાવાદ તળાવ ખાતે પહોંચ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગમાલ આહીર તેમજ પ્રદેશ મહામંત્રી આર કે પટેલ ખેડૂતો સાથે તળાવની મુલાકાત લીધી હતી. કિસાન સંઘ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, પાણી માટે હંમેશા ભારતીય કિસાન સંઘનું એક અભિયાન રહેલું છે, કોઈ પણ ભોગે પાણીની વાત માટે ભારતીય કિસાન સંઘ ખેડૂતોની સાથે છે. પાણી માટે સરકાર સાથે બેઠક કરવા માટે વાતચીત કરવા માટે પ્રદેશ ભારતીય કિસાન સંઘ તૈયાર રહેશે. કરમાવાદ તળાવ ભરવું જરૂરી છે ઘણા ગામડાઓને આ તળાવથી લાભ થઈ શકે છે. કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણીની માંગ સાથે ખેડૂતો દ્વારા મહારેલી કરવામાં આવી છે ત્યારે રેલી પહેલાં જિલ્લા કલેક્ટર, સાંસદ બાદ હવે ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતોની મુલાકાત લીધી હતી. ખેડૂતોનાં જળ આંદોલનમાં ભારતીય કિસાન સંઘ ખેડૂતોને મદદ માટે પૂરતા પ્રયત્નો કરશે.