જામનગર: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી અને રાહત આપવામાં આવી રહી છે તો બીજી તરફ આ જ રાહતનો લાભ આપવા માટે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો લાલપુર એપીએમસી ખાતે જોવા મળ્યા હતા. લાલપુર એપીએમસીની બહાર વહેલી સવારથી જ ટેકાના ભાવે ચણાની જણસી વહેંચવા આવેલા 175 થી પણ વધુ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ભર ઉનાળે ખેડૂતો પોતાની જણસીઓ વહેંચવા માટે હેરાન પરેશાન થતા નજરે પડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં પણ વિવિધ તાલુકા અને એપીએમસી ખરીદ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. જો કે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી માટે ખૂબ સારા ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ આ જ ખરીદી માટે દૂર દૂરથી પોતાની જણસીઓ વહેચવા આવતા ખેડૂતો યેનકેન પ્રકારે હેરાન પરેશાન થતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઊઠી છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના પોતાના જિલ્લામાં જ ખેડૂતોની આ પ્રકારની દયનિય પરિસ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે લાલપુર એપીએમસીના સત્તાધીશો પણ ખેડૂતો ભર ઉનાળે આવી હાલાકી ભોગવી રહ્યા તેમ છતાં તેમના પેટનું પાણી હલતું નથી.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના એપીએમસી કેન્દ્ર બહાર ટેકાના ભાવે ચણાની જણસી વહેંચવા લાલપુર તાલુકાના જુદા જુદા ગામોમાંથી આવેલા ખેડૂતોની હાઇવે પર લાંબી લાંબી કતારો જોવા મળી હતી. ચણા ભરેલા વાહનો લઇ અને ખેડૂતો યાર્ડની બહાર વહેલી સવારે છ સાત વાગ્યાથી લાંબી કતાર લગાવી હતી. જ્યારે હાલ ઉનાળો ચાલી રહ્યો હોય તેવા સમયે ભર બપોરે પણ ખેડૂતો રસ્તા પર પોતાના વાહનો લઇ અને તડકામાં શેકાતા જોવા મળ્યા હતા. ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે તે રીતે ખેડૂતો માટે ટેકાના ભાવે ચણા વહેચવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને સમયસર ખેડૂતોનો વેચાણ માટે વારો લેવામાં આવે કે જેથી ખેડૂતો સમયસર અને આરામથી પોતાની જણસી વહેંચી શકે. (file photo)