કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની આવકમાં વધારોઃ CM ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ રાજયના 14 આદિજાતિ જિલ્લાના 1.23 લાખ આદિવાસી ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23નો અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં યોજનાના ઓનલાઇન અમલીકરણની નવતર પહેલાના ભાગરૂપે રાજયના 14 જિલ્લામાં યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રાજયના આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજયો હતો. મુખ્ય મંત્રીએ ગાંધીનગર ખાતેથી યોજનાકીય પ્રારંભ કરાવતા આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની ખેત આવકમાં વધારો કરી ખેતી વૈવિધ્યપૂર્ણ અને સસ્ટેઇનેબલ બનાવવાની નેમ વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીએ વર્ષોથી પરંપરાગત રીતે ખેતી કરતા આવતા આદિવાસી બંધુઓને ખેતીમાંથી થતી આવક વધારવા આ કૃષિ વૈવિધ્યકરણ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં શરૂ કરવામાં આવી હોવાનું જણાવી વડાપ્રધાનએ આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યો છે ત્યારે આવા નાના-સિમાંત આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ સહાય આત્મનિર્ભરતાના માર્ગે લઇ જવાની દિશામાં મોટું કદમ હોવાનું જણાવ્યું હતું.
સંતરામપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથારએ નાના ખેડૂતોથી માંડી આદિજાતિ ખેડૂતોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે ખેડૂતોને કૃષિ પાક વૈવિધ્યકરણ યોજનાની વિગતવાર જાણકારી આપી યોજનાકીય હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ લાભાર્થીએ ફકત ઓનલાઇન અરજી કરવાની રહેશે.
નિમિષાબેન સુથારએ રાજય સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કાર્ય કરી હોવાનું જણાવી ગરીબના ઘરમાં ભોજન, શિક્ષણ, વીજળી, પાણી, આરોગ્ય જેવી વિવિધ સેવાઓ પૂરી પાડી હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં આદિજાતિ સમાજના લોકો સુખી અને સંપન્ન બને અને તેમના મળવાપાત્ર હકકો મળે તેવી પણ વ્યવસ્થા ઉભી કરી છે ત્યારે રાજય સરકારની આ વિકાસયાત્રામાં સહભાગી થવા જણાવ્યું હતું.