અમદાવાદઃ દેશની સૌથી સમૃદ્ધ ગણાતી ભારતીય જનતા પક્ષે ગુજરાતની ચૂંટણી માટે 200 કરોડ એકઠા કરવા માટે કાર્યકર્તાઓ અને નેતાઓને ટાર્ગેટ અપાયા છે. પ્રદેશ ભાજપની કારોબારી બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને વિધાનસભા ચૂંટણી સુધીમાં ઓછામાં ઓછું 200 કરોડ રૂપિયાનું ફંડ ઉઘરાવવા માટે આદેશ કર્યો છે. પાટીલે તમામ કારોબારી સભ્યોને કહ્યું હતું કે તમારાથી બને એટલું ફંડ પાર્ટી માટે લાવી આપો, જેથી ચૂંટણી સમયે પક્ષ સ્વનિર્ભર બની શકે. કાર્યકરો અને નેતાઓને પોતાના વિસ્તારમાં કે પરિચિત વર્તુળમાંથી વેપારીઓ, ઉદ્યોગકારો, સામાન્ય લોકો કે સંસ્થાઓ પાસેથી ઓછામાં ઓછા 500 રૂપિયા માત્ર ચેકથી લેવાના રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના કેટલાક પ્રદેશ નેતાઓ અને જે કાર્યકર્તાઓ ટિકિટ મળવાની આશા રાખીને બેઠા છે તેમણે તો પોતે કેટલા રૂપિયાનું ભંડોળ એકત્ર કરી આપશે એ રકમ પણ નોંધાવી દીધી હતી. પક્ષના એક નેતાના કહેવા મુજબ પ્રદેશ સ્તરેથી ચૂંટણી સહયોગ નિધિ ઉઘરાવવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં ભાજપના કાર્યકરો પોતાની રીતે અને અન્ય લોકો પાસેથી આ રકમ માત્ર ને માત્ર પ્રદેશ એકમના એકાઉન્ટના નામે ચેક મારફત જ લેશે. હાલ આમ કોઇ એવો અંદાજ આંકવામાં આવ્યો નથી, પણ મોટા અંદાજ પ્રમાણે 200 કરોડ રૂપિયા આ નિધિ મારફત ઉઘરાવીશું.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ અગાઉ ભાજપે 2012ની વિધાનસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ધનદાન યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત દરેક કાર્યકર્તાને કોઇપણ નાગરિક પાસેથી ભાજપ માટે પાર્ટી ફંડ લેવાની સૂચના અપાઇ હતી. જોકે એમાં દસ રૂપિયા જેટલી નાની રકમ આ યોજના હેઠળ તૈયાર કરાયેલા ખાસ ગલ્લા જેવા પાત્રમાં ફંડ પેટે લેવાની રહેતી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયે ગુજરાતની ચૂંટણી માટે કુલ 163.70 કરોડ, જ્યારે પ્રદેશ એકમે 88.5 કરોડ મળીને કુલ અંદાજે 253 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. રાષ્ટ્રીય કાર્યાલયને જે રકમ ચૂંટણી ફંડ માટે મળી હતી એમાંથી 129 કરોડ રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટ કે ચેક પેટે જ્યારે 3.5 કરોડ રૂપિયા કેશથી ઉઘરાવ્યા હતા. એની સામે ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયે 23.8 કરોડ અને ગુજરાત પ્રદેશ એકમે 106.6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ખર્ચ પૈકી 83 કરોડ રૂપિયાની રકમ જાહેરાતો અને પબ્લિસિટી માટે, 24.30 કરોડ રૂપિયા પ્રવાસ ખર્ચ પેટે ખર્ચવામાં આવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે, ભાજપ દ્વારા 150થી વધુ બેઠકો પર જીત મેળવવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. પરંતુ હજુ આ અંગે ઘણીબધી બાબતો શક્યતાઓ પર નિર્ભર કરે છે, તેથી ભાજપ પ્રદેશ એકમે પોતાના નેતાઓને જમીની વાસ્તવિકતા સમજવા માટે દરેક બેઠકોનો પ્રવાસ કરીને પરિસ્થિતિ જાણવા મોકલવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત ભાજપના 104 પૂર્ણકાલીન વિસ્તારકો ચૂંટણી સુધી છ મહિના માટે આ રીતે પોતાને સોંપાયેલા વિસ્તારોમાં ફરશે, જ્યારે આગામી 11, 12 અને 13 જૂન દરમિયાન પક્ષના 11,000 પાર્ટટાઇમ વિસ્તારકો સોંપાયેલા વિસ્તારોમાં ફરીને સરવે કરશે. (file photo)