અમદાવાદઃ શહેરમાં પ્લાસ્ટિકના વેસ્ટને લઈને પ્રદુષણ વધતું જાય છે. અને તેને લીધે આરોગ્યને પણ હાની થાય છે. તેથી હવે હેલ્થને હાનિકારક એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામા આવશે. શહેરના મ્યુનિસિપલ કમિશનરે આ મામલે મહત્વનો પરિપત્ર કર્યો છે. જે મુજબ, હવે શહેરમાં 120 માઇક્રોનથી ઓછા અને રિસાઈકલ ન થઈ શકે એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવશે. તા.1લી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેઇન્જ મંત્રાલય દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેના આધારે હવે અમદાવાદ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ આવી રહ્યો છે. કેટલાક પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ પર 1 જુલાઈ 2022 થી સંપૂર્ણ બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે. 1 જુલાઈથી પ્લાસ્ટિકની પ્લેટ, ઝંડા, કપ, સ્ટ્રો, ટ્રે, ફોર્ક, આઈસ્ક્રીમની ચમચી જેવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં થઈ શકે છે. એક વિશેષ પરિપત્ર દ્વારા આ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ.કોર્પોરેશનના પરિપત્ર મુજબ, 100 માઇક્રોનથી ઓછી જાડાઈના કપ, પ્લેટ્સ, ચમચી, નાઇફ સહિત અન્ય વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ ઈયર બડ્સના પ્લાસ્ટિક, પ્લાસ્ટિક સ્ટીક, પ્લાસ્ટિકના ઝંડા, ચોકલેટ અને આઈસ્ક્રીમ સ્ટીક સહિતની વસ્તુઓ પ્રતિબંધિત જાહેર કરાઈ છે. 1 જુલાઈથી પ્લાસ્ટિકની આ વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત કેન્ડી સ્ટીક, થર્મોકોલનું ડેકોરેશન, પ્લેટ-કપ, ગ્લાસ, સ્ટ્રો, ટ્રે, બોક્સને લગાવવાની ટેપ, સિગારેટના પેકેટ પરનું પ્લાસ્ટિક પણ પ્રતિબંધિત રહેશે. 1 જુલાઇ 2022થી ઉત્પાદકો, આયાતકારો, જથ્થાબંધના વેપારીઓ, વેચાણકારો અને ઉપયોગકર્તાઓ માટે તેના સિવાય પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક, પોલીસ્ટ્રીને અને એક્સાપાન્ડેડ પોલીર્સ્ટીન, કોમોડિટીઝ પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક હેલ્થ માટે હાનિકારક છે. આવા પ્લાસ્ટિક ગરમ વસ્તુઓમાં ભળીને શરીરમાં જાય છે, જેને કારણે બીમારીઓ વધી રહી છે. ખાણીપીણી, શાકમાર્કેટ, દુકાનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બિન્દાસ્તપણે ઉપયોગ થઈ રહ્યો છે. જેના પર હવે પ્રતિબંધની જરૂર છે. હવે 31મી ડિસેમ્બર 2022 બાદ અમદાવાદમાં 120 માઇક્રોનથી પાતળી કેરીબેગનો પણ ઉપયોગ નહિ કરી શકાય. આ પ્લાસ્ટિકની કેરીબેગના વેચાણ, ઉપયોગ, સંગ્રહ અને ઉત્પાદન સામે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગૂંથાયેલી ન હોય તેવી કેરીબેગ પણ 60 ગ્રામ પ્રતિ. ચોરસ મીટરથી ઓછી ન હોવી જોઇએ તેવી સ્પષ્ટ જોગવાઇ થઇ છે.