બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISB હૈદ્રાબાદનાં 20 વર્ષ પૂરાં થવાની ઉજવણીમાં ભાગ લીધો હતો અને 2022ના PGP વર્ગના પદવીદાન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 2001માં આ સંસ્થાને દેશને સમર્પિત કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 50 હજારથી વધુ અધિકારીઓ ISBમાંથી પાસ આઉટ થયા છે. આજે ISB એશિયાની ટોચની બિઝનેસ સ્કૂલોમાં સામેલ છે. ISBમાંથી પાસ આઉટ થયેલા પ્રોફેશનલ્સ ટોચની કંપનીઓનું સંચાલન કરે છે અને દેશના બિઝનેસને વેગ આપે છે. અહીંના વિદ્યાર્થીઓએ સેંકડો સ્ટાર્ટઅપનું સર્જન કર્યું છે અને યુનિકોર્ન્સ બનાવવામાં ભૂમિકા ભજવી છે. “આ ISBની સિદ્ધિ છે અને સમગ્ર દેશ માટે ગૌરવનું કારણ છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે G20 દેશોના જૂથમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. સ્માર્ટફોન ડેટા કન્ઝ્યુમરના મામલામાં ભારત નંબર વન પર છે. ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા જોઈએ તો ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ગ્લોબલ રિટેલ ઈન્ડેક્સમાં પણ ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ભારતમાં છે. વિશ્વનું ત્રીજું સૌથી મોટું ગ્રાહક બજાર ભારતમાં છે. ભારત આજે વૃદ્ધિનાં મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ગયા વર્ષે ભારતમાં અત્યાર સુધીનું સૌથી વધુ FDI આવ્યું હતું. આજે દુનિયા સમજી રહી છે કે ભારત એટલે વેપાર.
વડાપ્રધાનએ કહ્યું કે દેશમાં સુધારાની જરૂરિયાત હંમેશા અનુભવાઈ છે, પરંતુ રાજકીય ઈચ્છાશક્તિનો હંમેશા અભાવ જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દાયકામાં સતત રાજકીય અસ્થિરતાને કારણે દેશમાં લાંબા સમયથી રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે. આ કારણે દેશ સુધારાઓ અને મોટા નિર્ણયો લેવાથી દૂર રહ્યો. 2014થી આપણો દેશ રાજકીય ઈચ્છાશક્તિ જોઈ રહ્યો છે અને સુધારાઓ પણ સતત થઈ રહ્યા છે. જ્યારે નિશ્ચય અને રાજકીય ઇચ્છાશક્તિ સાથે સુધારા હાથ ધરવામાં આવે ત્યારે જાહેર સમર્થન અને લોકપ્રિય સમર્થનની ખાતરી થાય છે. તેમણે લોકોમાં ડિજિટલ પેમેન્ટ અપનાવવાનું ઉદાહરણ આપ્યું હતું.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, મહામારી દરમિયાન આરોગ્ય ક્ષેત્રની સ્થિતિસ્થાપકતા અને તાકાત સાબિત થઈ છે. કોવિડ રસીઓ અંગે, અહીં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે શું વિદેશી રસી ઉપલબ્ધ થશે કે નહીં. પરંતુ ભારતે તેની પોતાની રસીઓ વિકસાવી છે. ઘણી બધી રસીઓ બનાવવામાં આવી છે અને ભારતમાં 190 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતે વિશ્વના 100થી વધુ દેશોમાં રસી પણ મોકલી છે.
અમલદારશાહીએ પણ સુધારાની પ્રક્રિયામાં મજબૂત યોગદાન આપ્યું છે. તેમણે સરકારની યોજનાની સફળતામાં લોકોની ભાગીદારીને શ્રેય આપ્યો. તેમણે કહ્યું કે જ્યારે લોકો સહકાર આપે છે, ત્યારે ઝડપી અને સારાં પરિણામોની ખાતરી મળે છે. હવે સિસ્ટમમાં, સરકાર રિફોર્મ્સ કરે છે, અમલદારશાહી પર્ફોર્મ કરે છે અને લોકોની ભાગીદારી ટ્રાન્સફોર્મેશન- પરિવર્તન તરફ દોરી જાય છે. તેમણે ISB વિદ્યાર્થીઓને રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની આ યંત્રણાનો અભ્યાસ કરવા કહ્યું.
વડાપ્રધાનએ સૌથી મોટું કારણ દર્શાવ્યું હતું કે 2014 પછી આપણે દરેક રમતમાં અસાધારણ પ્રદર્શન જોઈ રહ્યા છીએ તે આપણા ખેલાડીઓના આત્મવિશ્વાસને કારણે છે. આત્મવિશ્વાસ ત્યારે આવે છે જ્યારે યોગ્ય પ્રતિભાની શોધ થાય છે, જ્યારે પ્રતિભાને સાથ મળે છે, જ્યારે પારદર્શક પસંદગી હોય છે અને તાલીમ, સ્પર્ધા માટે વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોય છે. ખેલો ઈન્ડિયા અને ટોપ્સ સ્કીમ જેવા સુધારાઓને કારણે આપણે રમતગમતમાં પરિવર્તન આપની નજર સમક્ષ જોઈ શકીએ છીએ.