કચ્છઃ હરામીનાળામાંથી ફરી એકવાર ચાર પાકિસ્તાની બોટ મળી
- સુરક્ષા એજન્સીઓએ બંનેની પૂછપરછ આરંભી
- ચારેય બોટમાંથી કંઈ શંકાસ્પદ મળી આવ્યુ ન હતુ
- બીએસએફ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરાઈ
અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. ગુજરાતના દરિયામાં અવાર-નવાર પાકિસ્તાનની ચાંચિયાગીરીની ઘટના સામે આવે છે. તેમજ અનેકવાર પાકિસ્તાની નાગરિકો ગેરકાયદે રીતે ભારતમાં ઘુસણખોરી કરતા હોવાની ઘટના બને છે. દરમિયાન કચ્છના હરામીનાલામાં બીએસએફને ચાર પાકિસ્તાની બોટ તથા બે નાગરિકો મળી આવતા તેમની અટકાયત કરી હતી. તેમજ તેમના અન્ય સાથીદારોની પણ આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છની સરહદ ઉતર તૈનાત બીએસએફના જવાનો દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન ચાર જેટલી પાકિસ્તાની બોટ મળી આવી હતી. તેમજ બે પાકિસ્તાની નાગરિકોની સુરક્ષા એજન્સીઓએ અટકાયત કરી હતી. બોટની તપાસ કરતા અંદરથી ત્રણેક જેટલી માછલીઓ અને માછલી પકડવાની સામગ્રી મળી આવી હતી. બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બીએસએફ દ્વારા બે પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. તેમજ સુરક્ષા એજન્સીઓની ટીમોએ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ દરિયો અને દરિયાકાંઠા ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોવ તેમ અવાર-નવાર ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવે છે. તેમજ તાજેતરમાં જ જખૌ પાસેથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવે છે. સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા માટે પણ કવાયત શરૂ કરી છે.