સેનામાં નોકરી કરવાના બદલાશે નિયમ – 4 વર્ષની નોકરી કરીને થશે નિવૃત્ત અને 25 ટકા લોકોની થશે વાપસી
- સેનાની નોકરીના બદલાશે નિયમ
- 4 વર્ષ બાદ થવું પડશે નિવૃત્ત
દિલ્હી – ભારયીત સેનામાં મોટા ભાગના યુવાનોને જોડાવાની ઈચ્છા હોય છે અથાગ મહેનત અને શારીરિક શ્રમ બાદ તેમની સેનામાં ભરતી થતી હોય છે ત્યારે હવે તેના નિયમો બદલાયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ ટૂર ઑફ ડ્યુટીના અંતિમ ફોર્મેટ પર ઘણી ચર્ચા થઈ છે અને કેટલાક નવા સૂચનો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ સાથે જ નવી ભરતી યોજના હવે કોઈપણ દિવસે જાહેર થવાની ધારણા છે.
શરૂઆતમાં એ અમુક ટકા સૈનિકો તાલીમ સહિત ત્રણ વર્ષની સેવા પછી નિવૃત્ત કરવામાં આવશે. કેટલાકને પાંચ વર્ષની કોન્ટ્રાક્ટ પરની સેવા પછી નિવૃત્ત કરાશે. સંપૂર્ણ મુદત માટે માત્ર 25 ટકા જ જાળવી રાખવામાં આવશે.
નવા પ્રસ્તાવમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ તમામને નિવૃત્ત કરવામાં આવશે. જોકે, 25 ટકા સૈનિકોને નિવૃત્તિના લગભગ 30 દિવસમાં પાછા બોલાવવામાં આવશે. તેમના જોડાવા માટે નવી તારીખ આપવામાં આવશે. પગાર અને પેન્શનના નિર્ધારણ માટે તેમની છેલ્લા ચાર વર્ષની કરાર આધારિત સેવા તેમની પૂર્ણ કરેલી સેવામાં ગણવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં સરકારને મોટી રકમની બચત થવાની આશા છે.
સૂત્રોનું કહેવું છે કે ત્રણેય સેવાઓમાં સૈનિકોને અમુક વ્યવસાયો માટે અમુક અપવાદો હશે જેમાં તેમની નોકરીની ટેકનિકલ પ્રકૃતિને કારણે તેઓને ચાર વર્ષની કોન્ટ્રાક્ટ આધારિત સેવા કરતાં વધુ રાખવામાં આવશે.
એવી દરખાસ્ત પણ કરવામાં આવી હતી કે તકનીકી રીતે પ્રશિક્ષિત સૈનિકોની સીધી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાંથી ભરતી કરવામાં આવે જેથી કરીને તેમની તકનીકી તાલીમમાં વધુ સમય ન જાય. આર્મી ટ્રેનિંગ કમાન્ડને આ સંદર્ભે અભ્યાસ હાથ ધરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જેનું પરિણામ હજુ સુધી જાણવા મળ્યું નથી.
લગભગ બે વર્ષથી સૈન્યમાં કોઈ ભરતી ન થતાં તે વિસ્તારના યુવાનોમાં ચિંતાનો માહોલ છે કે જેઓ પરંપરાગત ભરતી કરવા માગે છે. ભરતીમાં વિલંબને લઈને હરિયાણાની સાથે પંજાબમાં પણ વિરોધ થઈ રહ્યો છે. યુવાનોને ડર છે કે જ્યાં સુધી સરકાર ભરતી ફરી શરૂ કરવાનો નિર્ણય નહીં લે ત્યાં સુધી તેમની ઉંમર વધી જશે.