પોરબંદરઃ ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. લોકોને શુદ્ધ પાવીનું પાણી પણ મળતું નથી. પોરબંદર શહેરના ઉદ્યોગનગરની આસપાસના વિસ્તારોમાં બોરમાંથી કેમિકલ વાળું ‘લાલપાણી’ નીકળી રહ્યું છે. ઉદ્યોગ, રહેણાંક અને ખેતીની જમીનમાં બોરમાંથી નીકળતા લાલ કલરના પાણીને કારણે માઠી અસર પડી રહી છે. કેમિકલ જમીનમાં ઉતરી જતા છેલ્લા 3 વર્ષથી લોકો કેમિકલ યુક્ત લાલપાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઘણા લોકો બહારથી વેચાતુ પાણી લાવીને પીવામાં ઉપયોગ કરે છે. તંત્રને સ્થાનિક લોકોએ અનેકવાર રજુઆતો કરી છતાં લોકોને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી.
પોરબંદરના ઉદ્યોગનગરની આસપાસના વિસ્તારની સોસાયટીઓમાં બોરમાંથી લાલ કેમિકલવાળુ પાણી નિકળે છે. આ વિસ્તારમાં ખેતીની જમીન તેમજ ઉદ્યોગો આવેલા છે. છેલ્લા ત્રણ વર્ષથી લાલપાણીની સમસ્યા છે. ખેડુતો પણ લાલ પાણીની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. સ્થાનિકો રહિશોના કહેવા મુજબ કેમિકલ વાળું પાણી બોરમાંથી નિકળે છે, જે પીવા લાયક નથી અને વપરાશ લાયક પણ રહ્યું નથી. આ કેમિકલયુક્ત લાલપાણીના કારણે લોકો હાલાકી વેઠી રહયા છે. તો બીજીતરફ ઉદ્યોગકારોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે અને પીવાના પાણી માટે નગરપાલિકા તંત્ર પર આધાર રાખવો પડે છે અથવા પાણી વેચાતું લેવું પડે છે. મોટાભાગના ઉદ્યોગકારો અને સોસાયટીના સ્થાનિકો આ લાલ કલરનું પાણી પીવામાં તો લેતા નથી પણ વપરાશમાં પણ લેતા નથી જેથી ફરજિયાત પાણીના ટેન્કર મંગાવી પાણીની ખરીદી કરી કરવી પડે છે. નગરપાલિકા તંત્ર દ્વારા પીવાનું પાણી અનિયમિત વિતરણ થાય છે જેથી પીવાનું પાણી વેચાતું લેવું પડે છે.
ઉદ્યોગનગર આસપાસની સોસાયટીઓના સ્થાનિક રહિશોએ વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા ચોમાસા દરમિયાન વરસાદી પાણીમાં લાલ અને કાળું પાણી વહેતુ થયું હતું. તે વખતે તંત્રના અધિકારીઓ અને તે વખતના પીએસઆઇ પણ દોડી આવ્યા હતા અને જીઆઇડીસી એસો.ના હોદેદારો પણ આવ્યા હતા પરંતુ આ પાણી બ્લોક અથવા માટીના કારણે લાલ વહે છે તેવું જણાવી પાણીના સેમ્પલ લીધા ન હતા અને તટસ્થ તપાસ કરી ન હતી. જો તટસ્થ તપાસ કરી હોત તો જમીનમાં કેમિકલ ઉતર્યું ન હોત અને આ કપરી સ્થિતિનું નિર્માણ થયું ન હોત. આ વિસ્તારમાં ખેતી પણ થાય છે. કેમિકલ વાળું પાણી હોવાના કારણે ખેતરમાં શાકભાજીનો પાક નિષ્ફળ જાય છે. જુવાર ઉગે છે. ઢોરને પણ આ પાણી પીવડાવી શકાતું નથી. જેથી પીવાનું અને વાપરવાનું પાણી ટેન્કર મારફત વેચાતું લેવું પડે છે. ખેતરમાં વેચાતું પાણી પરવડે નહિ એટલે લાલપાણી વાપરીએ છીએ. પરંતુ પાક નિષ્ફળ જાય છે. એવું ખેડુતો કહી રહ્યા છે.
પોરબંદરના જિલ્લા કલેક્ટર શર્માએ જણાવ્યું હતું કે, પાણી પુરવઠા વિભાગના અધિકારીને મોકલવામાં આવશે અને આ વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લેવડાવી તપાસ કરવામાં આવશે. આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.