ધો.1થી 12ના વિદ્યાર્થીઓને સાયન્સ સિટીનો શૈક્ષણિક પ્રવાસ કરાવવા સરકારે કર્યો પરિપત્ર
ગાંધીનગરઃ અમદાવાદમાં સાયન્સસિટીમાં વિદ્યાર્થીઓને રસ પડે એવી એનેક અજાયબીઓ છે. માત્ર ગુજરાતના જ નહીં પણ બહારના રાજ્યોના વિદ્યાર્થીઓ પણ સાયન્સસિટીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે તમામ શાળાઓના ધોરણ-1થી12ના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સાયન્સસિટીની મુલાકાત લે તે માટે પરિપત્ર જારી કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને માટે સાયન્સસિટીનો શૈક્ષણિક પ્રવાસ યોજવાનું કહેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાનમાં રસ રુચી કેળવાય તે માટે શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે ધોરણ-1થી 12ના વિદ્યાર્થીઓને સાયન્સ સીટીનો શૈક્ષણિક પ્રવાસ કરાવવાનો રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. તેમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની આસપાસના શાળાઓએ તેની અમલવારી કરવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સાયન્સ સીટીનો શૈક્ષણિક પ્રવાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં ઉભો થયેલો ગણિત અને વિજ્ઞાન વિષયનો કાલ્પનીક ડર દુર કરી શકાય છે. તેમજ ધોરણ-1થી 12ના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષયમાં રૂચિમાં વધારો થાય તેમજ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવા હેતુથી વિદ્યાર્થીઓને સાયન્સ સીટીની મુલાકાત કરાવવી જરૂરી છે. જોકે સાયન્સ સીટીમાં એમ્ફીથીયેટર, એનર્જી પાર્ક, આઇ મેક્સ થીયેટર, હોલ ઓફ સ્પેસ એન્ડ સાયન્સ જેવા વિવિધ જ્ઞાન વિભાગોની મુલાકાતથી વિદ્યાર્થીઓને કઠિન લાગતા ગણિત-વિજ્ઞાન વિષયો સરળતાથી સમજાય. ઉપરાંત ખાનગી શાળાના બાળકોની સમકક્ષ શિક્ષણનું સ્તર જાળવી શકાય તે માટે વિદ્યાર્થીઓને સાયન્સ સીટીનો શૈક્ષણિક પ્રવાસ યોજવાની સુચના શિક્ષમ વિભાગે આપી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યભરની શાળાઓમાં ધોરણ-1થી 12ના વર્ગો માટે પ્રત્યક્ષ વર્ગ શિક્ષણકાર્યને પુન: શરૂ આવશે. આથી શાળાના વિદ્યાર્થીઓને ગમ્મત સાથે અને દ્દશ્ય શ્રાવ્યના માધ્યમથી ગણિત અને વિજ્ઞાન વિષયનું શિક્ષણ મળી રહે તે માટે વિદ્યાર્થીઓની સાયન્સ સીટીની મુલાકાત કરાવવી જોઇએ. જોકે પ્રથમ તબક્કે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની શાળાઓના બાળકોને સહ-અભ્યાસિક પ્રવૃત્તિ કરાવવાની રહેશે.