રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજોમાં 6 જગ્યાઓ માટેના અધ્યાપકોની ભરતીના ઈન્ટરવ્યું 31મી મેથી લેવાશે
ગાંધીનગરઃ રાજ્યમાં અધ્યાપક સહાયકોની ભરતી માટે ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઘણા ઉમેદવારોએ આ સંદર્ભે ઉચ્ચ શિક્ષમ વિભાગને પણ રજુઆતો કરી હતી. આખરે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિલંબિત અધ્યાપક સહાયકની ભરતીના અંતે ઈન્ટરવ્યૂ જાહેર કરી દેવાયા છે. 31મી મેથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ થશે અને પ્રથમ તબક્કામાં છ જગ્યા માટે ઈન્ટરવ્યૂ લેવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની આર્ટ્સ, સાયન્સ, કોમર્સ અને લૉ સહિતની ગ્રાન્ટેડ કોલેજોની વિવિધ વિષયની 920 અધ્યાપક સહાયકની જગ્યા માટે સરકાર દ્વારા બે વર્ષ પહેલાં ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા અગાઉ અરજી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ ઘણા સમય પછી ગત મહિને મેરિટ યાદી જાહેર કરી કોલેજ પસંદગી માટેનો ઓનલાઈન રાઉન્ડ કરવામાં આવ્યો હતો. 8થી 13 એપ્રિલ સુધી થયેલા કોલેજ પસંદગીના ફાઈનલ ઓનલાઈન રાઉન્ડ બાદ ઈન્ટરવ્યૂ જાહેર કરવામાં આવ્યા ન હતા. જેને લઈને ઉમેદવારો રોષે ભરાયા હતા અને ઈન્ટરવ્યૂ જાહેર ન થતા રાહ જોઈને બેઠેલા હજારો ઉમેદવારોનું ઉનાળું વેકેશનનું આયોજન બગડ્યું હતું. તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા જીઓગ્રાફી, લૉ સહિતના કેટલાક વિષયની વિવિધ કોલેજોની 14 જેટલી જગ્યાઓના ઈન્ટરવ્યૂ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કારણ કે, આ 14 જગ્યા માટે એક પણ ઉમેદવારે પસંદગી આપી ન હતી. અંતે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા ઈન્ટરવ્યૂની પ્રક્રિયા અને તારીખો પણ જાહેર કરી દેવાઈ છે. જે મુજબ 31મી મેથી ઈન્ટરવ્યૂ શરૂ થશે.
જેમાં પ્રથમ તબક્કામાં બાયો કેમિસ્ટ્રી, કમ્પ્યૂટર સાયન્સ, ઈન્ડ્રસ્ટ્રી કેમિસ્ટ્રી, ફીલોસોફી, પોલિટિકલ સાયન્સ અને ઝુઓલોજીની એક એક જગ્યા માટે ઈન્ટરવ્યૂ થશે. આ છ જગ્યામાં ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઈવનિંગ, ગુજરાત કોમર્સ કોલેજ મોર્નિંગ, ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ ગાંધીનગર, ગવર્નમેન્ટ આર્ટસ કોલેજ ગાંધીનગર અને ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ ગાંધીનગરની એક જગ્યાનો સમાવેશ થાય છે. આ તમામે તમામ છ જગ્યા ઓપન કેટેગરી-જનરલની છે. આ જગ્યા માટેના ઈન્ટરવ્યૂની તમામ સૂચનાઓ અને શિડ્યૂલ ઉમેદવારોને મેઈલ અને મેસેજથી મોકલી પણ દેવામાં આવ્યા છે. આ જગ્યાઓના ઈન્ટરવ્યૂ માટે શિડ્યૂલ વેબપોર્ટલ પર મૂકી દેવાયું છે. આ છ જગ્યા બાદ બાકીની જગ્યાઓના ઈન્ટરવ્યૂ તબક્કાવાર જાહેર કરાશે. હવે કુલ 920 જગ્યાઓમાંથી 914 જગ્યા માટેના ઈન્ટરવ્યૂ કરાશે. અગાઉ 14 જગ્યા ઉમેદવારોની પસંદગીના અભાવે હાલ પુરતી રદ કરાઈ છે. મહત્વનું છે કે, આ ભરતી પ્રક્રિયા છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હતી અને ઈન્ટરવ્યૂ યુજીસી નિમયથી કરવા કે સરકારના અગાઉના ઠરાવ મુજબ કરવા તેને લઈને અનેક વિરોધ અને વિવાદ થઈ ચૂક્યા છે. અંતે હવે યુજીસીના 80:20ના રેશિયોથી જ ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરાશે. જેમાં ઈન્ટરવ્યૂમાં અંતિમ પસંદગી તો કોલેજ સંચાલકોના હાથ જ રહેશે.(પ્રતિકાત્મક તસવીર)