લડાખમાં સિંધુ નદીના ઘાટ પર ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓએ સફાઈ કરી અઢી ટન કચરો બહાર કાઢ્યો
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લદાખ યુનિવર્સિટીમાં અભ્યાસ ગયા છે. જ્યાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અભ્યાસ સિવાયની અન્ય કામગીરી પણ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ લદાખની સિંધુ નદીના ઘાટ પર સફાઈ અભિયાન હાથ ધરી અઢી ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો હતો, સાથે જ અહીં ફરવા આવતા પ્રવાસીઓને નદી પ્રદુષિત નહિ કરવાનો સંદેશો પાઠવ્યો હતો. ગુજરાત યુનિના વિદ્યાર્થીઓના પર્યાવરણલક્ષી સાવાકીય આ અભિયાનની પ્રસંશા થઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ લડાખમાં રોજબરોજ અનેક પ્રવાસીઓ ફરવા માટે આવી રહ્યા છે. ત્યારે પ્રવાસીઓ દ્વારા સ્વચ્છતાનું કોઈ ધ્યાન રખાતું નથી, કચરો ગમે ત્યાં ફેંકવાને લીધે પર્યાવરણને પણ નુકશાન થતું હોય છે. બીજીબાજુ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે હિમાલયની પર્વતમાળાઓમાં ગ્લેશિયર પીગળી રહ્યો છે. લદાખમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. ગ્લેશિયર પીગળવાના કારણે અહીંના નેચરલ રીસોર્સીઝ ખતમ થઈ રહ્યા છે. જે આવનારા દિવસોમાં ખતરાની ઘંટી સમાન છે. ગ્લેશિયર પીગળવાના કારણે લડાખના બે ગામો અન્યત્ર વસવાટ કરવાની ફરજ પડી છે. જોકે લદાખમાં પ્રવાસ માટે આવતા પ્રવાસીઓ દ્વારા અહીંની સિંધુ નદીમાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિક બોટલ્સ, ટિન્સ, કોથળીઓ સહિતના કચરાના કારણે નદી પ્રદુષિત થઈ રહી છે. ત્યારે લદાખ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલા ગુજરાત યુનિવર્સિટીના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્ટનેબલિટીના 20 વિદ્યાર્થીઓએ સિંન્ધુ નદીના ઘાટની સફાઈ કરીને ઉદાહરણરૂપ કામગીરી કરી લડાખના સ્થાનિક લોકોનો પ્રેમ પણ સંપાદન કર્યો હતો..
આ અભિયાનમાં યુનિવર્સિટી ઓફ લદાખના 25 વિદ્યાર્થીઓ જોડાયા હતા. IISના ડાયરેકટર સુધાન્શુ જહાંગીરએ જણાવ્યું કે, IISના વિદ્યાર્થીઓએ સિંધુ નદી જેને ઇન્દુસ નદી પણ કહેવાય છે જેનો લદાખમાં ઘાટ આવ્યો છે. જ્યાં સફાઈ અભિયાન કરવાનું નક્કી કર્યું. અને સફાઈ અભિયાન કરતા અંદાજે અઢી ટન પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો હતો. વિદ્યાર્થીઓનું આ સફાઈ અભિયાન જોઈને લદાખના લોકોએ તેની સરાહના કરી હતી. લદાખના લોકોએ એવું પણ કહ્યું કે આ પ્રકારની કામગીરી હજુ સુધી અહીં કોઈએ કરી નથી. ઇતિહાસમાં પણ પહેલીવાર હતું કે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ લદાખ આવી આ પ્રકારે કામગીરી કરી હોય. અહીંના કેન્ટીન ચલાવતા એક વ્યક્તિએ વિદ્યાર્થીઓની આ કામગીરી બદલ સૌને ચા પીવડાવી હતી. તેમણે અહીં પ્રવાસે આવતા લોકોને અપીલ પણ કરી કે આ પ્રકારે નદીમાં કચરો ફેંકી લદાખની ખૂબસુરતીને બરબાદ ન કરે. આ પ્રકારની સફાઈ ડ્રાઇવ વિદ્યાર્થીઓ કારગીલમાં પણ કરશે.