ગુજરાત કોંગ્રેસ પણ હવે સોફ્ટ હિન્દુત્વના માર્ગે, મંદિરોમાં મહા આરતીના કાર્યક્રમો યોજાશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના બાકી રહ્યા છે ત્યારે મતદારોને રિઝવવા માટે રાજકિય પક્ષોએ પ્રયાસો શરૂ કર્યા છે. ચૂંટણીમાં જે તે સમાજના મતો વધુ પ્રભાવી બનતા હોય છે. ઉપરાંત ભાજપે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવીને સફળતા મેળવી છે. ત્યારે ભાજપને પગલે કોંગ્રેસને પણ સોફ્ટ હિન્દુત્વ અપનાવવાની ફરજ પડી રહી છે, ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વને અપનાવ્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંદિરોમાં દર્શન કરીને પ્રચાર કર્યો હતો. ત્યારે હવે આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા શહેરી વિસ્તારોના મોટા મંદિરોમાં મહાઆરતીના કાર્યક્રમો યોજાશે. ઉપરાંત કોંગ્રેસ હિન્દુ વિરોધી નથી એવો સંદેશ આપવા સાધુ-સંતોની પણ મદદ લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત વિધાનસભાની જેમ કોંગ્રેસ ફરીએક વાર સોફ્ટ હિન્દુત્વનો માર્ગ અપનાવશે. જેમાં અવનવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે. રામકથા, ગણેશ પૂજન, મહાદેવ આરતી અને નવરાત્રિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાશે. મહિલા કોંગ્રેસ દ્વારા સત્યનારાયણની કથાઓ, સુંદરકાંડ, જાહેર ભજનસંધ્યા જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. ઉપરાંત કેટલાક સાધુ-સંતોનો સંપર્ક કરીને તેમને ધાર્મિક કાર્યક્રમોમાં લાવવામાં આવશે. જો કે કોંગ્રેસના સ્થાનિક લેવલે આવા કાર્યક્રમો યોજાશે. અને કોંગ્રેસ બીન સાપ્રદાયિક પક્ષની ઈમેજને કોઈ નુકશાન ન થાય તે રીતે આયોજનો કરાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ દ્વારા શહેરોમાં કોંગ્રેસને કેવી રીતે મજબૂત કરી શકાય તેનું મનોમંથન શરૂ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં સંગઠનની કામગીરી 90થી 95 ટકા પૂર્ણ થવા જઈ રહી છે. સંગઠન બાદ ચૂંટણીની તૈયારી થશે. રાજકોટ વડોદરા, અને સુરત સહિત મહાનગરમાં કોંગ્રેસનો જનાધાર ખૂબ ઓછો છે, શહેરી મતદારો શા માટે કોંગ્રેસને સ્વીકારતા નથી, તે સંશોધનનો વિષય છે. શહેરી વિસ્તારના લોકોની માનસિકતાને સમજવી જરૂરી છે. અને હવે તે દિશામાં પણ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.