વડોદરા નજીક પરીક્ષા આપવા એક્ટિવા પર જઈ રહેલા સ્ટુડન્સને ડમ્પરે અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત,
વડોદરાઃ શહેર અને જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વાઘોડિયા નજીક વધુ એક અકસ્માતમાં પરીક્ષા આપવા માટે જઈ રહેલી વિદ્યાર્થિની ભોગ બની હતી. પૂરઝડપે જઈ રહેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્રણેય સ્ટુડન્ટ ડમ્પરના પાછળના ટાયરમાં એક્ટિવા સાથે ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં એક વિદ્યાર્થિનીનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટિવાચાલક સહિત બે સ્ટુડન્ટને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ત્રણેય સ્ટુડન્ટ પરીક્ષા આપવા માટે સવારે નીકળ્યા હતા. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ડમ્પરચાલક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ પવનપુત્ર બંગલોની મૂળ રહેવાસી ઈશા નરેન્દ્રભાઈ રાણા વડોદરાની ખાનગી કોલજમાં એરોનોટિકલ ડિપ્લોમામાં ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. આજે સવારે ઇશા અને તેની સાથે અભ્યાસ કરતો મિત્ર વાજીદઅલી હૈદરઅલી શેખ અને ખુશી અમરીશસિહ વિહોલ આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે કોલેજમાં એક્ટિવા પર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન અલવા ગામ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે એક્ટિવાસવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. ડમ્પરે અડફેટે લેતાં એક્ટિવાસવાર સહિત ત્રણેય ડમ્પરના પાછળના વ્હીલમાં બંને વિદ્યાર્થિની ફસાઈ ગઇ હતી અને એક્ટિવાચાલક વિદ્યાર્થીનો પગ પણ વ્હીલમાં ગયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર વચ્ચે બેઠેલી ઈશા રાણાનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે વાજીદઅલી અને ખુશીને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બનતાંની સાથે સ્થાનિકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓનાં ટોળાં એકત્ર થઇ ગયાં હતાં અને ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. બીજી બાજુ, પરિવારજનોને આ બનાવની જાણ થતાં તેઓ પણ વાઘોડિયા ખાતે દોડી ગયા હતા. આ સાથે વાઘોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ડમ્પરચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મોતને ભેટેલી ઇશા રાણા અને તેની બહેન પાયલ વડોદરાના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે પેઇન ગેસ્ટ તરીકે રહે છે અને બંને એક કોલેજમાં અભ્યાસ કરે છે. પાયલને કોલેજમાં રજા હોવાથી તે કોલેજ ગઇ ન હતી, પરંતુ ઇશાની પરીક્ષા શરૂ થતી હોવાથી તે તેની સાથે અભ્યાસ કરતા ફ્રેન્ડ સાથે પરીક્ષા આપવા જઈ રહી હતી, ત્યારે અકસ્માત સર્જાયો હતો.