ગુજરાતમાં હાર્દિકની બોલબાલાઃ પંડ્યાની જેમ પટેલ પ્રજાનો પ્રેમ-વિશ્વાસ જીતવામાં સફળ થશે ?
અમદાવાદઃ ગુજરાતમાં હાલ હાર્દિક નામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. IPLમાં પ્રથમવાર મેદાનમાં ઉતરેલી ગુજરાત ટાઈન્ટસના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ મેનેજમેન્ટની ઈચ્છા ઉપર ખરા ઉતરીને IPL-2022નું ટાઈટલ જીત્યું હતું. બીજી તરફ રાજકીય મેદાનમાં પણ પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરીને નવી ઈનીંગ્સનો પ્રારંભ કર્યો છે. હાર્દિક પટેલ ભાજપાએ વ્યક્ત કરેલા વિશ્વાસ ઉપર ખરા ઉતરશે કે કેમ તેને લઈને વિવિધ અટકળો વહેતી થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર IPLમાં પ્રથમવાર ગુજરાત ટાઈન્ટસની ટીમ મેદાનમાં ઉતરી હતી. તેમજ મેનેજમેન્ટ ટીમે હાર્દિક પંડ્યા ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને તેને ક્રિકેટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. ક્રિકેટના મેદાનમાં હાર્દિક પંડ્યાએ બોલીંગ અને બેટીંગની સાથે પોતાની કેપ્ટનશીપથી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા હતા. IPLની ફાઈનલમાં રાજસ્થાનની ટીમને હરાવીને ગુજરાતની ટીમે ટાઈટલ્સ જીત્યું હતું. આમ પ્રથમવાર મેદાનમાં ઉતરેલી ગુજરાતની ટીમની જીતને કારણે હાર્દિક પંડ્યાને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ગણગણાટ શરૂ થયો છે. હાર્દિક પંડ્યાના નામના ગણગણાટ વચ્ચે હાર્દિક પટેલનું નામ પણ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રાજકારણની દુનિયામાં પોતાનું સ્થાન ઉભુ કરનારા પાટીદાર નેતા હાર્દિક પટેલે તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે હાર્દિક પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયાની સાથે જ હાર્દિક પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. જ્યારે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમજ પાર્ટી જે કામ કહેશે તે કરવાની તૈયારી દર્શાવી છે.
પાટીદાર અનામત આંદોલનને પગલે રાજ્યની ભાજપ સરકારના મૂળિયા હચમચાવી નાખનાર હાર્દિક પટેલે જે તે વખતે ભાજપ અને તેના સિનિયર નેતાઓ સામે આકરા આક્ષેપ કર્યાં હતા. તેમજ આંદોલનને પગલે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદથી દૂર થવુ પડ્યું હતું. ભાજપ હાઈકમાન્ડ દ્વારા વિજય રૂપાણીને મુખ્યમંત્રીની જવાબદારી સોંપી હતી. પાટીદાર અનામત આંદોલનની અસર વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જો કે, વર્ષ 2012ની સરખામણીમાં બેઠકોમાં ઘટાડો થયો હતો. ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલને કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે છે કે, અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ હાંસિયામાં ધકેલાઈ જનારા રાજકીય નેતાઓની જેવી હાલત થાય છે તે જોવું રહ્યું. હાર્દિક પટેલે ભાજપનો કેસરિયો ધારણ કરતાની સાથે જ ભાજપના કેટલાક કાર્યકરો અને નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી.