ગાંધીનગરઃ પાટનગર એવા ગાંધીનગર શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં 10 વર્ષ પહેલા સાત જેટલા ગામોને મર્જ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મ્યુનિ. સત્તાધિશોની નિષ્ક્રિયતાને લીધે સાતેય ગામો વિકાસથી વંચિત હતા. મ્યુનિ.કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ કરાયો હોવા છતાં સાતેય ગામડાંમાં શહેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી નહતી. મ્યુનિ.માં વર્ષોથી ભાજપનું શાસન છે, અને ભાજપના જ શહેર પ્રમુખે જ ગાંધીનગરમાં સમાવિષ્ટ સાતેય ગામો વિકાસથી વંચિત હોવાથી મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં વર્ષ 2010માં 7 ગામ સમાવિષ્ટ કરાયાં હતાં અને હવે વર્ષો બાદ શહેર ભાજપને આ ગામોમાં શહેરો જેવો વિકાસ નથી થયો, એની જાણ થઈ છે. ઇન્દ્રોડા, બોરીજ, ધોળાકૂવા, આદીવાડા, ફતેપુરા, પાલજ અને બાસણ ગામોમાં શહેરો જેવી સુવિધા ન હોવાની શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. ભાજપના શહેર પ્રમુખે સીએમ પોર્ટલ પર ફરિયાદ કરી હતી ત્યારે હવે વિપક્ષ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. કે, 7 ગામમાં શહેર જેવી સુવિધાઓ ન મળવા પાછળ જવાબદાર કોણ? ભાજપનું શાસન કે અધિકારીઓ છે? કારણ કે 2011માં કોર્પોરેશનની પ્રથમ ચૂંટણીમાં જીત બાદ અઢી વર્ષ જ કૉંગ્રેસનું શાસન રહ્યું હતું. ત્યારથી અત્યાર સુધી ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપનું જ શાસન રહ્યું છે. ત્યારે સૌનો સાથ સૌનો વિકાસના સુત્ર સાથે ચાલતા ભાજપના સાશનમાં આ સાત ગામો વિકાસમાં કેમ પાછળ રહી ગયા તેવો ગ્રામજનો જ પ્રશ્નો પૂછી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં 41 બેઠક સાથે ભાજપની ભવ્ય જીત બાદ પણ મનપામાં સમાવિષ્ઠ 7 ગામોના વિકાસ માટે ભાજપ શહેર પ્રમુખને સીએમઓ સુધી કેમ ફરિયાદ કરવી પડી તે વાત સૌ કોઈને નવાઈ પમાડે તેવી છે. ભાજપ પક્ષ દ્વારા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ટિકિટના દાવેદારો સોગઠાં ગોઠવવા લાગ્યા છે. ભાજપમાં ચાલતી ચર્ચા મુજબ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ વિધાનસભા ટિકિટની રેસમાં છે. તેઓ દ્વારા જે ગામોના વિકાસ માટે ભલામણ કરાઈ છે, તે ગામોમાં પાલજ સિવાયનો વિસ્તાર ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં આવે છે ત્યારે ભાજપના સ્થાનિક નેતાઓ તેઓની આ રજૂઆતોને વિધાનસભા ચૂંટણી સાથે પણ સાંકળી રહ્યાં છે. કહેવાય છે કે, મ્યુનિ,માં સમાવિષ્ટ આદિવાડા અને ધોળાકૂવા, બાસણ, બોરીજ, પાલજ, ઈન્દ્રોડા સહિતનાં ગામો કૉંગ્રેસ તરફી વધુ હતાં, જેને પગલે અત્યાર સુધી આ ગામો વિકાસ અને રંગમંચ, લગ્નવાડી, ગાર્ડન સહિતની સુવિધાઓથી વંચિત રહી ગયાંની ચર્ચા છે. હાલના સત્તાધીશો દ્વારા જે રીતે નવાં સમાવિષ્ઠ ગામોમાં વધુ ધ્યાન અપાય છે તેટલું ધ્યાન આ તરફ ન અપાતું હોવાની લાગણી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.