ભાવનગરઃ જિલ્લાના મહુવામાં ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર હોય એવું લાગતું નથી, અને કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનાં કારણે આવારા તત્ત્વો બેફામ બન્યા છે. ચોરી-લૂંટ, મારામારી સહિતના બનાવો રોજિંદા બની ગયા હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે મહુવામાં એક શખ્સે હાર્દસમા ગાંધીબાગ ચોકમાં ધડાધડ ફાયરીંગ કર્યા હતા. આ સમયે તેણે પકડવા પોલીસ ગઈ તો તેને પણ નિશાન બનાવી એક રાઉન્ડ ફાયરીંગ કરી આ શખ્સ હવામાં ઓગળી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મહુવાના ગાંધીબાગ ચોક વિસ્તારમાં એક શખ્સ કાર લઈને આવ્યો હતો અને કોઈ કારણોસર પોતાની પાસે રહેલી પિસ્તલ જેવા હથિયારમાંથી હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ બનાવ ગાંધીબાગ પોલીસ ચોકીની સામે જ બન્યો હતો. આથી પોલીસ તેને પકડવા દોડી હતી, પરંતુ આ શખ્સ લાજવાના બદલે ગાજ્યો હતો અને પોલીસને પણ નિશાને લઈ વધુ એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જોકે, આ ગોળીબારમાં પોલીસ કર્મચારી કે અન્ય કોઈને ઈજા સદ્નસીબે ઈજા પહોચી નથી. આ બનાવથી મહુવા સહિત જિલ્લાભરમાં ભારે ચકચાર મચી હતી. પોલીસની ધાક ઓસરી ગઈ હોય અને આવારા તત્ત્વો દ્વારા પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. આ બનાવના પગલે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી કારમાં નાસી છૂટેલા અજાણ્યા શખસોની ઓળખ મેળવવા અને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. આ મામલે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પોલીસ ચોકી પર ફરજ પર બધો સ્ટાફ હતો ત્યારે બપોરના સવા બારેક વાગ્યે ફાયરિંગનો અવાજ આવતા પોલીસ કોન્ટેબલો ચોકીની બહાર દોડી આવ્યા હતા. અને જોયુ તો નેસવડ ગામનો જયેશ ઉર્ફે જપ્પન મકવાણાનો દીકરો રામ નંબર પ્લેટ વગરની કારની બાજુમાં ઉભા રહી હવામાં ફાયરિંગ કરતો હતો. જેથી પોલીસે તેને બુમો પાડી કે ફાયરિંગ બંધ કર, તો તેણે સામું કહ્યું કે, તમે કોઈ પોલીસવાળા આમા આડા આવતા નહી નહીતર હું તમને મારી નાખીશ. તેની સાથે કાળો શર્ટ પહેરેલો કોઈ અજાણ્યો શખ્સ હતો. તેને પોલીસે રોકવા જતાં રામે કારની બારીમાંથી પોલીસ તરફ પિસ્ટલ તાકી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પણ પોલીસે સમય સુચકતા વાપરી સાઈડમાં ખસી જતાં કોઈને ગોળી વાગી નહી અને એ બન્ને શખસો નાસી છુટ્યાં હતા. જેમને પડકવા માટે પોલીસ તંત્રએ પણ પાછળ વાહનો દોડાવ્યા હતા.