રાજકોટ : શહેર નજીકના હીરાસર એરપોર્ટ પાસે બેટી નદીના પૂલ નજીક રાજકોટવાસીઓ અને આસપાસના વિસ્તારના લોકો માટે પાણી સંગ્રહ થઇ શકે અને પાણી સમસ્યામાં રાહત થાય તે માટે છેલ્લા કેટલાક સમયથી મીની ડેમ બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ ડેમ બનાવવા એક વિઘ્ન પણ હવે દૂર થઇ ગયું છે અને એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાળાઓેએ આ ડેમ બનાવવા માટે મંજુરી (એનઓસી) આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ નજીક હીરાસર પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ થઈ રહ્યુ છે.
રાજકોટમાં પાણીની સમસ્યા તો વર્ષોથી છે, જો કે, સૌની યોજના હેઠળ નર્મદાના નીર આજી ડેમમાં ઠાલવવામાં આવતા ઘણીબધી રાહત થઈ છે. અને મહદઅંશે પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. શહેર નજીક બેટી નદી પર નાનો ડેમ બાંધવામાં આવે તો રાજકોટને ભવિષ્યમાં પાણીની સમસ્યા નડે નહીં તે રાજકોટનાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે સરકારમાં દરખાસ્ત કરી હતી. અને જે તે સમયે આ ડેમના નિર્માણ માટે મંજુરી પણ મળી જવા પામી હતી. દરમિયાન બેટી નદી નજીક ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રોજેક્ટ શરુ થતા ડેમ એરપોર્ટ ઓથોરીટીની અંડરમાં આવી જતો હતો. આથી થોડા સમય માટે આ ડેમ નિર્માણની કામગીરી અટકી જવા પામી હતી. દરમિયાન આ ડેમ નિર્માણ માટે એરપોર્ટ ઓથોરીટી પાસે એનઓસી માંગવામાં આવી હતી જે એનઓસી તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરીટીએ આપી દીધી છે.આથી હવે આ ડેમ નિર્માણની કામગીરી ટૂંક સમયમાં ઝડપથી હાથ ધરવામાં આવશે. તેવા નિર્દેશો છે.
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યુ હતું કે, બેટી નદી ઉપર રાજકોટ માટે પાણી સંગ્રહની યોજના હાલ આગળ વધી રહી છે. છેલ્લા ઘણા સમયથી રામપરા બેટી નદી ઉપર રાજકોટ માટે પાણી સંગ્રહ થાય તેવો બંધ બાંધવો જોઇએ તેએવી અમે બે વ્રષ પહેલા સરકારમાં રજુઆત કરી હતી. પરંતુ ત્યાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવતા તેની ઓથોરીટીની મંજુરી જરુરી હતી. જે મંજુરી હાલમાં જ મળી ગઇ છે. આથી હવે સિંચાઈ વિભાગ ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે, અને પ્લાન એસ્ટીમેન્ટ બનાવીને સરકારમાંથી મંજુરી મેળવવા તડામાર કામગીરી શરુ કરી દીધી છે. દરમિયાન રાજકોટ સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતું કે બેટી નદીના પૂલ પાસે 20 એમસીએફટી પાણીના સંગ્રહ થાય તે પ્રકારનો ડેમ અંદાજીત રુા. 2 થી 2.5 કરોડના ખર્ચે તૈયાર થશે. આ ડેમ માટેનું એસ્ટીમેન્ટ અને પ્લાન લગભગ સિંચાઈ વિભાગે તૈયાર કરી લીધા છે અને ટૂંક સમયમાં જ સરકારી મંજુરી માટે ગાંધીનગર મોકલી દેવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)