અમદાવાદઃ ગુજરાતમાં બે દાયકાથી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ તા. 23મીથી શાળા પ્રવેશોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો રાજ્યના વિવિધ ગામોમાં નાના ભૂલકોને સ્કૂલમાં પ્રવેશ અપાવશે. ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવ દરમિયાન રાજકીય નેતાઓ અને અધિકારીઓ રોજની 3 સ્કૂલની મુલાકાત લેશે.
પ્રવકતા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનુ પ્રત્યેક બાળક શિક્ષણ મેળવે અને વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ આપવા જાગૃત થાય તે આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજન થકી રાજ્યમાં પ્રતિ વર્ષ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેના પરિણામે રાજ્યમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આગામી તા.23 થી 25 મી જૂન-2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તેમજ મંત્રીમંડળના સભ્યો, સંસદઓ, ધારાસભ્યઓ, આઈએએસ તથા આઈપીએસ સહિતના ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા મથકોએ કાર્યક્રમ યોજાશે. આ દરેક મહાનુભાવો દિવસની ત્રણ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ ભૂલકાઓને પ્રવેશ અપાવશે.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રકલ્પોની ક્લસ્ટર કક્ષાએ અને તાલુકા કક્ષાએ સમીક્ષા કરવામાં આવશે. જેમાં બાળકો નામાંકનની સ્થિતિ, ઓનલાઈન હાજરીની સમીક્ષા, ગુણોત્સવ-2.0ના પરિણામોની સમીક્ષા, એકમ કસોટી અને સત્રાંત કસોટીની સમીક્ષા, લર્નિંગ લોસ સંદર્ભે સમયદાનમાં થયેલ કામગીરી, કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન/ ઓફલાઇન કામગીરી, શાળાઓ તથા કલસ્ટરના ડ્રોપ આઉટની સમીક્ષા, મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરાશે.
(Photo-File)