ભાવનગરઃ શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ છેલ્લા 36 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, સ્વ ભીખુભાઈ ભટ્ટ દ્વારા પેરિત ભાવનગરની રથયાત્રા માટે એક માસ પહેલા જ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓનો શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રથયાત્રાની ધજા બનાવવાનું કાર્ય બુધવારથી શરૂ કરવામાં આવ્યું છે.
ભાવનગરમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના પરિમલ ચોક ખાતે આવેલા કાર્યાલય ખાતે રથયાત્રાની ધજા બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગરમાં કેસરિયો માહોલ બનાવવા અરવિંદભાઈ અને તેમની ટીમ દ્વારા ધજા બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 15 હજારથી 17 હજાર જેટલી ધજા બનાવી ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લગાવવામાં આવશે. અને ભાવનગરમાં કેસરિયો માહોલ બનાવવામાં આવશે.
ભાવનગરમાં રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું.કે દર વર્ષે અષાઢી બીજના દિવસે સમગ્ર દેશમાં જગન્નાથજી ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે. દેશની પ્રથમ નંબરની ગણાતી રથયાત્રા જગન્નાથપુરીમાં યોજાઈ છે. જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબરની અમદાવાદ અને ત્યારબાદ બીજા નંબરે સૌથી મોટી રથયાત્રા ભાવનગર યોજાઈ છે. ભાવનગરમાં છેલ્લા 36 વર્ષથી પરંપરાગત રીતે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 34 વર્ષથી પરંપરાગત રીતે શહેરના રાજમાર્ગો પરથી ભવ્ય ઉજવણી સાથે રથયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈને ગત વર્ષે માત્ર ભાવનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે રથને બહાર કાઢી લોકોને દર્શન માટે મૂકવામાં આવ્યા હતા અને ગયા વર્ષે માત્ર ભગવાનના રથને જ નગરયાત્રા કરી હતી. ગતવર્ષે ભક્તો વગરની રથયાત્રા નીકળી હતી. આ વર્ષે પણ ભાવનગરમાં આ રથયાત્રાનું આયોજન અષાઢી બીજ તા.1 જુલાઈને શુક્રવારના દિવસે કરવામાં આવશે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજી ભાવનગરની નગરચર્યાએ નીકળવાના છે. ત્યારે બે વર્ષની કોરોના મહામારીને લઇ સાદગીપૂર્વક રીતે કાઢવામાં આવી હતી. આ વર્ષે રથયાત્રા ધામધૂમ અને રંગેચંગેથી યોજવામાં આવશે.