ભારતઃ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ, 18મી જુલાઈએ મતદાન
નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આગામી દિવસોમાં પૂર્ણ થઈ રહ્યો છે. જેથી ચૂંટણીપંચ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તા. 18મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને 21મી જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. દેશના સર્વોચ્ચ પદની ચૂંટણી માટેની સૂચના 15 જૂને જારી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તા. 29મી જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. તેમજ 30મી જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 2 જુલાઈ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણીમાં મતદાન માટે ખાસ શાહી વાળી પેન આપવામાં આવશે. મત આપવા માટે તમારે 1,2,3 લખીને તમારી પસંદગી જણાવવી પડશે. જો પ્રથમ પસંદગી જણાવવામાં નહીં આવે, તો મત રદ કરવામાં આવશે. તે જ સમયે, આ સમય દરમિયાન રાજકીય પક્ષોમાંથી કોઈ વ્હીપ જઈ શકશે નહીં. સંસદ અને વિધાનસભાઓમાં મતદાન થશે. રાજ્યસભાના મહાસચિવ ચૂંટણી પ્રભારી હશે. આ ઉપરાંત કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.