ગુજરાતમાં પ્રી-મોનસુન એક્ટિવી શરૂઃ પાંચેક દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં બપોરના સમયે કાળઝાળ ગરમી પડે છે. રાજ્યમાં ગણતરીના દિવોસમાં જ મેઘરાજાની એન્ટ્રી થશે. પાંચેક દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં પ્રી-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ચોમાસાની આગાહી પૂર્વે રાજ્યના વિવિધ શહેરોમાં પ્રી-મોનસુનના આયોજન ઉપર કામગીરી તેજ કરાઈ છે.
રાજ્યમાં પ્રી મોન્સુન ગતિવિધિ શરૂ થઈ છે. ભાવનગર જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં સતત ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. ગારિયાધાર શહેરમાં વરસાદનો પ્રારંભ થયો હતો. એકાએક વાતાવરણમાં પલટો આવતા ગારિયાધાર પંથકમાં ભારે પવન અને વિજળીનાં કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ગરમીનાં બફારા બાદ વરસાદ પડતાં લોકોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર પહોંચશે. તો રાજ્યમાં આવનારા પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના નિયામક, મનોરમા મોહંતીએ જણાવ્યું કે, અમદાવાદ ખેડા સહિત ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ વરસાદની પણ શક્યતા છે.