અમદાવાદમાં એરપોર્ટની બહાર નિકળતા પ્રવાસીઓને કસ્ટમ અધિકારીના સ્વાંગમાં લૂંટતા ચાર ઠગ પકડાયાં
અમદાવાદઃ શહેરમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓ એરપોર્ટની બહાર નિકળે ત્યારે નકલી કસ્ટમના અધિકારીઓ એકલ-દોકલ પ્રવાસીઓને રોકીને પ્રવાસીનો સામાન ચેક કરવાને બહાને ધમકાવીને વિદેશથી લાવેલી ચિજ-વસ્તુઓ પડાવીને પલાયન થઈ જવાના બનાવો બની રહ્યા હતા.એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી કસ્ટમ ઓફિસર બની લૂંટ કરવાની ઘટનાઓ વધી જતા એરપોર્ટ પર સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.ત્યારે કસ્ટમ ઓફિસર બની ફરી એકવાર લૂંટની ઘટના બની હતી. કુવૈતથી આવેલા યુવકને ચાર નકલી કસ્ટમ ઓફિસરે ડરાવી ધમકાવી 5.92 લાખની મતા લૂંટી લીધી હતી. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીને નકલી કસ્ટમના ચાર આરોપીઓને પકડી લીધા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશના મુઝફરનગરના બાગોવાલી ગામ ખાતે શાહ ફૈસલ નાઝીમહસન પરિવાર સાથે રહે છે. જે છેલ્લા અઢી વર્ષથી સાઉદીમાં રિયાધ ખાતે નોકરી કરે છે. ગત 7 મી જુનના રોજ ફૈસલ ભારત પહોંચ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પર શાહ ફૈસલને લેવા માટે તેમનો મિત્ર આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને પાર્કીંગમાં રિક્ષામાં બેસી રહ્યા હતા. આ સમયે ચાર અજાણ્યા શખસો પોતે કસ્ટમના અધિકારી હોવાનું કહીને શાહ ફેસલને રોક્યો હતો. તેનો સામાન અને તેનું ચેકીંગ કરવાનું કહીને ડરાવી ધમકાવતા હતા.બાદમાં તમામ સામાનનું ચેકીંગ કરવાનું કહીને મોબાઈલ ફોન, ગોલ્ડ સહિત કુલ રૂ. 5.92 લાખની મત્તા લઈ લીધી હતી. આ તમામ વસ્તુઓ લઈને ચારેય શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગભરાયેલો ફૈસલ ઘરે પહોંચી ગયો હતો. બાદમાં તેમને ખ્યાલ આવ્યો હતો કે, કસ્ટમ ઓફિસરે તેમને નથી લૂંટ્યા આ તો કોઇ બોગસ ટોળકી હતી. જેથી તેમણે એરપોર્ટ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે એરપોર્ટ પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ દરમિયાન ગાંધીનગર સેકટર-3 પાસે રહેતા ઋત્વિક રાઠોડ, શશીકાન્ત ઉર્ફે સોનુ તિવારી, ઓઢવના મહેશ્વેરી સોસાયટીમાં રહેતા પ્રકાશ મહેરીયા અને કોતરપુર દશામાની ચાલીમાં રહેતા સંતોષ મૌર્યની પોલીસે ધરપકડ કરી હતી, અગાઉ પણ કસ્ટમ અધિકારીના સ્વાંગમાં પ્રવાસીઓને લૂંટવામાં આવ્યા હતા. જેમાં આ શખસો સંડોવાયેલા છે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.