પટણાઃ બિહારના પૂર્ણિયામાં ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. પૂર્ણિયામાંથી પસાર થતી મોટરકારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 8 વ્યક્તિઓના મોત થયાનું જામવા મળે છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટના ઉનગઢ ઓપી વિસ્તારમાં આવેલી કાંજીયા મિડલ સ્કૂલ પાસે બની હતી.
મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો કિશનગંજ જિલ્લાના મહિનાગાંવ પંચાયતના નુનિયા ગામના રહેવાસી હતા. તેઓ પૂર્ણિયાના બાયસી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાબરા પંચાયતના તારાબારી ગામમાં ગયા હતા. તમામ લોકો પુત્રીના લગ્ન માટે સંબંધ નક્કી કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી.
ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, મધ્યરાત્રિ બાદ લગભગ બેથી અઢી વાગ્યાની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. કિશનગંજ તરફ જઈ રહેલી કાર બેકાબૂ બની ગઈ હતી અને પાણીથી ભરેલા મોટા ખાડામાં પડી ગઈ હતી. મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતદેહોને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. તેમજ આ દૂર્ઘટના કેવી રીતે ઘટી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.