- મુંબઈમાં વરસાદનું આગમન
- ઠેર ઠેર વરસાદ, કેટલીક જગ્યા એ રસ્તાઓ પર પોપડા ઉખડ્યા
મુંબઈઃ- જ્યા દેશના કેટલાક રાજ્યોમાં ભાર ગરમી પડી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં ચોમાસાએ દસ્તક આપી છે, મહારાષ્ટ્રની મહાનગરી મુંબઈમાં ભારે વરસાદનું આગમન જોવા મળ્યું છે. હવામાન વિભાગે અહીં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતની જાહેરાત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોલાબામાં રેકોર્ડ 61.8 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સાંતાક્રુઝમાં 41.3 મિમી વરસાદ નોંધાયો હતો.
આ સાથે જ દક્ષિણપશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કોંકણના મોટાભાગના ભાગો મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
વરસાદને મામલે હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય, મરાઠવાડા, તેલંગાણાના કેટલાક વધુ ભાગો, આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગોમાં ચોમાસા આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ રહેશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં વાર્ષિક વરસાદના 70 ટકા ચોમાસાના પવનોથી આવે છે અને તેને કૃષિ આધારિત અર્થવ્યવસ્થા માટે જીવનરેખા માનવામાં આવે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે ચોમાસું 29 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચ્યું હતું અને 31 મેથી 7 જૂનની વચ્ચે તે દક્ષિણ અને મધ્ય અરબી સમુદ્ર, સમગ્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુના ભાગોમાં પહોંચી ગયું હતું.