ગુજરાતમાં 48 કલાકમાં ચોમાસાનું સત્તાવાર આગમન થશે
અમદાવાદઃ મહારાષ્ટ્રમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે અને આગામી 48 કલાકમાં જ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે, કાળઝાળ ગરમી અને બફારાને કારણે કોલો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ચોમાસાનું સત્તાવાર આગમન થશે. આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદનો પ્રારંભ થઈ શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ રહેશે. રાજ્યના બે મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. રાજ્યના અન્ય ભાગમાં વાદળછાયું વાતાવરણ છવાતા તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન લોકોને વરસાદી માહોલથી ઠંડક અનુભવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ચાલુ વર્ષે ચારેક દિવસ પહેલુ ચોમાસાની એન્ટ્રી થઈ હતી. દરમિયાન આજે મહારાષ્ટ્રમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહેવાની આગાહી કરવામાં આવી હતી. બીજી તરફ ખેડૂતો પણ આતુરતા પુર્વક ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યાં છે.