અમદાવાદઃ ગુજરાતમાં આજે વિધિવત રીતે નેઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે 48 કલાકમાં ચોમાસુ આગળ વધશે. જેથી આગામી ત્રણેક દિવસમાં રાજ્યના મોટાભાગના શહેરો અને નગરોમાં આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન અમરેલી, બનાસકાંઠાના ધાનેરા, દ્વારકા, જૂનાગઢ, જામનગર અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. આજે 6 કલાકમાં 15 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નડીયાદ તાલુકામાં 1.5 ઈચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે સુરતના ઓલપાડમાં અડધો ઈચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં રવિવારની રાતે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમાં મોહનતીએ સીએમ ઓફીસ ખાતે હવામાનને લઈને બ્રિફિગ કર્યું છે. દિવ અને વલસાડમાં ચોમાસાનું આજે વિધિવત આગમન થયું છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. લિલીયા, ધારીના ચલાલા, લિલીયા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સરહદી વિસ્તારના ગામડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના કાંકરેજ, ભાભર, દિયોદર સહિત ધાનેરા તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. દ્વારકાના ભાણવડમાં પણ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જૂનાગઢ શહેરના મજેવડી દરવાજા, સુખનાથ, આઝાદ ચોક, વણઝારી, ચિતાખાના, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. જામનગરમાં પણ આકાશ કાળા વાદળોથી ઘેરાયું હતું અને જામનગર શહેરના ટાઉનહોલ, લાલબંગલા, બેડીગેટ, સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેર ઉપરાંત હિંમતનગર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત સહિતના શહેરો-નગરોમાં વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાની સાથે જ ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.