નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી મનોરંજનના નામે વિવિધ ગેમ્સ એપના મારફતે જુગાર-સટ્ટો રમાડવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. એટલું જ નહીં મોટી મોટી સેલિબ્રિટીઝ પણ રૂપિયા માટે આવી ગેમ્સ એપની જાહેરાતોમાં કામ કરીને યુવાનોને ઓનલાઈન ગેમ્સ રમવા આડકતરી રીતે પ્રેરે છે. ગેમ્સ એપ્લિકેશન મારફતે લાખો રૂપિયા જીતવાની લોભામણી લાલચ પણ આપવામાં આવે છે. તેમજ જાહેરાતમાં ચેતવણી પણ આપવામાં આવે છે કે, ગેમ્સ રમવાથી આદત પડી શકે છે. આવી મોબાઈલ ગેમ્સ એપ્લિકેશન મનોરંજનના નામે યુવાધનને જુગાર અને ક્રિકેટ સટ્ટાબેટિંગની સેવાઓ પુરી પાડતી હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન કેન્દ્ર સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયે સમગ્ર મામલે ગંભીરતાથી લીધો છે. તેમજ ઓનલાઈન સટ્ટાબાજીને પ્રોત્સાહન આપતી જાહેરાતોથી દૂર રહેવા માટે મીડિયાને સૂચના આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા મીડિયાને લઈને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમજ જણાવ્યું હતું કે, જુગારથી ગ્રાહકોને નાણાંકીય અને સામાજીક સહિતના સંકટ ઉભી થાય છે. જેથી ઓનલાઈન સટ્ટેબાજીને પ્રોત્સાહન આપતી જાહેરાતથી દૂર રહેવું જોઈએ. તેમજ ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવાયેલી આવી જાહેરાતો ન દર્શાવવા પણ સૂચના આપવામાં આવી છે. કેટલીક ગેમ્સ એપ્લિકેશન પર ક્રિકેટની ટીમ બનાવીને રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવે છે અને કેટલીક એપ્લિકેશનમાં ગેમ રમવા માટે રૂપિયા પણ આપવામાં આવે છે. જો કે, કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીના કારણે હવે ટેલિવિઝન ઉપર આવી મોબાઈલ એપ્લિકેશનની જાહેરાતો ઓછી જોવા મળશે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાને ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતથી દૂર રહેવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરી પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, સોશિયલ અને ઓનલાઈન મીડિયામાં દેખાતી ઓનલાઈન સટ્ટાબાજીની વેબસાઈટ/પ્લેટફોર્મની સંખ્યાબંધ જાહેરાતો તરીકે પ્રકાશમાં આવે છે.
સટ્ટાબાજી અને જુગાર, દેશના મોટાભાગના ભાગોમાં ગેરકાયદેસર, ગ્રાહકો માટે, ખાસ કરીને યુવાનો અને બાળકો માટે નોંધપાત્ર નાણાકીય અને સામાજિક-આર્થિક જોખમ ઊભું કરે છે, એમ એડવાઈઝરીમાં જણાવાયું છે. જેમાં વધુમાં ઉમેર્યું છે કે ઓનલાઈન સટ્ટાબાજી પરની આ જાહેરાતો આ મોટાપાયે પ્રતિબંધિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની અસર ધરાવે છે. “ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો ગેરમાર્ગે દોરનારી હોય છે, અને પ્રેસ કાઉન્સિલ એક્ટ, 1978 હેઠળ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અંતર્ગત જારી ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019, કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ રેગ્યુલેશન એક્ટ, 1995 હેઠળની જાહેરાત સંહિતા અને પત્રકારત્વના આચારના ધોરણો હેઠળ જાહેરખબરના ધોરણો સાથે કડક રીતે સુસંગત હોય એવું જણાતું નથી. ”, એમ તેમાં જણાવાયું છે.
આ એડવાઈઝરી વ્યાપક જાહેર હિતમાં જારી કરવામાં આવી છે અને તેમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો પ્રકાશિત કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમાં ઓનલાઈન જાહેરાત મધ્યસ્થી અને પ્રકાશકો સહિત ઓનલાઈન અને સોશિયલ મીડિયાને ભારતમાં આવી જાહેરાતો પ્રદર્શિત ન કરવા અથવા ભારતીય પ્રેક્ષકોને આવી જાહેરાતો માટે નિશાન ના બનાવવાની સલાહ પણ આપાવામાં આવી છે.
4ઠ્ઠી ડિસેમ્બર, 2020ના રોજ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને ઓનલાઈન ગેમિંગની જાહેરાતો પર એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI) માર્ગદર્શિકાનું પાલન કરવા માટે એક એડવાઈઝરી જારી કરી હતી જેમાં ઑનલાઇન ગેમિંગની વિઝ્યુઅલ જાહેરાતો અંગે પ્રિન્ટ અને ઑડિયો માટે ચોક્કસ શું કરવું અને શું ન કરવું તેની જાણકારી આપવામાં આવી છે.