દિલ્હીઃ ગળામાં મોમોસ ફસાતા મોતની દેશમાં પ્રથમ ઘટના સામે આવી
- એઈમ્સના તબીબો પણ ઘટના સામે આવતા ચોંકી ઉઠ્યાં
- 50 વર્ષીય આધેડનું મોમોસ ખાતી વખતે થયું મોત
- વિશ્વમાં 1.2 મિલિયનમાંથી એક મૃત્યુ ભોજન દરમિયાન શ્વસન અવરોધને કારણે થાય છે
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ખાવાના શોખીનોમાં મોમોજને વધારે પસંદ કરી રહ્યાં છે. દરમિયાન મોમોસ ખાવાના શોખીનો માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીમાં મોમોસ ગળામાં ફસાઈ જવાથી એક વ્યક્તનું મોત થયાની ઘટના બની છે. એઈમ્સના ફોરેન્સિક નિષ્ણાતો પણ આ ઘટના સામે આવતા ચોંકી ઉઠ્યાં છે. તેમજ સમગ્ર દેશમાં મોમોસ ગળામાં ફસાઈ જવાથી મોત થયાની આ પ્રથમ ઘટના હોવાનું મનાઈ રહ્યું છે.
ડોકટરોના જણાવ્યા અનુસાર, દક્ષિણ દિલ્હીમાં AIIMS પાસે સ્થિત એક રેસ્ટોરન્ટમાં 50 વર્ષનો એક વ્યક્તિ મોમોસ ખાતો હતો. અચાનક તે જમીન પર પડી ગયો અને મૃત્યુ પામ્યો. AIIMS ખાતે પોસ્ટમોર્ટમ કમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં તેના ગળામાં મોમોજ ફસાયેલા જોવા મળ્યા હતા. પેટમાં દારૂ પણ હતો. મોમોસ ખાતી વખતે તે નશામાં હોય તેવી શક્યતા છે. ફોરેન્સિક વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, આ કેસ ખૂબ જ દુર્લભ છે, તેમાંથી બોધપાઠ લેવો જોઈએ. ડો.અભિષેક યાદવે જણાવ્યું હતું કે, AIIMS પાસે અત્યાધુનિક શબઘર છે. પોસ્ટમોર્ટમમાં, મૃતકની વિન્ડપાઈપની શરૂઆતમાં એક ડમ્પલિંગ જેવો પદાર્થ મળી આવ્યો હતો, તે મોમોસ હતો. જમતી વખતે વાયુમાર્ગના અવરોધને કારણે અણધાર્યા મૃત્યુનો આ પહેલો કિસ્સો નથી. વિશ્વમાં 1.2 મિલિયનમાંથી એક મૃત્યુ ભોજન દરમિયાન શ્વસન અવરોધને કારણે થાય છે.